ગુજરાત
News of Monday, 2nd August 2021

ગાંધીનગરના સે-3માં એક મહિના અગાઉ મોપેડની ડેકી તોડી બે લાખની ચોરી કરનાર ટોળકીને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

ગાંધીનગર:શહેરના સે-૧૪ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાન નં.ર૧૮/૧૯માં રહેતા અને એજ્યુકેશન સંસ્થા ચલાવતા રજનીકાંત હરેશભાઈ ચૌહાણ મોપેડ લઈને સે-૧૦માં આવેલી એસબીઆઈ બેન્કમાં ગયા હતા જયાં બેન્કમાંથી તેમણે અઢી લાખ રૃપિયા ઉપાડયા હતા અને આ રૃપિયા તેમણે તેમના મોપેડની ડેકીમાં મુકયા હતા. જયાંથી તેઓ સીધા સે-૩/એ ખાતે આવેલી લાભ કોમ્પ્લેક્ષની ઓફીસમાં જમવા માટે ગયા હતા. જમીને પરત તેઓ તેમના મોપેડ પાસે આવ્યા તેની ડેકી તુટેલી હાલતમાં હતી અને તેમાં તપાસ કરતાં પ૦ હજાર રૃપિયાનું એક જ બંડલ હતુ અને બે લાખ રૃપિયા ચોરાયા ગયા હતા. જે મામલે સે-૭ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી આ ગુનાનો ભેદ ઉકેલવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કો.ધીરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે એક મહિના અગાઉ સે-૩માં મોપેડમાંથી બે લાખની ચોરી પેથાપુર ખાતે રહેતા હેમંત ખત્રીએ તેના સાગરીતો સાથે કરાવી હતી અને હાલ તેઓ સે-૧૧માં હાજર છે જે બાતમીના પગલે પોલીસ ટીમે પહોંચી હેમંત હજારીલાલ ખત્રી રહે.વાડીવાળો વાસ, પેથાપુર, પ્રતિક નરેશભાઈ સોનેજી રહે.ડી-૧૦પ, કોઠી કંપાઉન્ડ રાજકોટ અને તરૃણ ગોપીલાલ પ્રજાપતિ રહે.નાયીવાસ, અંબીકાચોક પેથાપુર મુળ રાજસ્થાનને બાઈક સાથે ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧.૩૦ લાખ રોકડા અને ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા. આરોપીઓની પુછપરછ દરમ્યાન બહાર આવ્યું હતું કે આર્થિક તંગીના કારણે ત્રણેય ભેગા મળીને બેન્કમાંથી રૃપિયા ઉપાડનાર માણસોની રેકી કરી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને સીવીલમાંથી બાઈકની ચોરી કરી પ્રતિક સોનેજી અને તરૃણ પ્રજાપતિએ રેકી કરીને સે-૩માંથી બે લાખ રૃપિયાની મોપેડમાંથી ચોરી કરી હતી. હાલ તો એલસીબીની ટીમે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:00 pm IST)