ગુજરાત
News of Monday, 2nd August 2021

સુરતના વરાછામાં ઓનલાઇન ડિલિવરી બોયની નોકરી કરતા યુવાન સાથે મળી મિત્રએ 814 પાર્સલમાંથી 17 પાર્સલની વસ્તુ ખોલી બરોબર વેચી દેતા અરેરાટી

સુરત: શહેરના વરાછા સ્થિત કુરીયર કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતા ડિંડોલીના યુવાને મિત્ર સાથે મળી ડીલીવરી માટે આપેલા 814 પાર્સલમાંથી માત્ર 100ની જ ડીલીવરી કરી 17 પાર્સલ ખોલી વસ્તુ વેચી નાખી હતી. તેની કરતૂત ખુલ્લી પડતા કંપનીએ તપાસ કરતા બાકી 697 પાર્સલની વસ્તુ પરત મળી હતી. જયારે 17 પાર્સલ તોડી તેમાંની વસ્તુ સગેવગે કરનાર બંને વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢનો વતની અને સુરતમાં પુણાગામ સીતાનગર શિવમ પેલેસ બી-405 માં રહેતો 20 વર્ષીય ધ્રુવ કિરીટભાઈ રાજપરા વરાછા અશ્વનીકુમાર રોડ પ્લોટ નં.1 લાલવાડી આઈ.સી.મીલની પાછળ સેડોફેક્ષ ટેક્નોલોજી પ્રા.લિમીટેડ નામની કુરીયર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ફ્લીપકાર્ટ જેવી ઓનલાઈન કંપનીના રોજના 4500થી વધુ પાર્સલની ડીલીવરી માટે તેમણે ગોવિંદ મિશ્રાની કંપની ભાગેશ્વરીને કોન્ટ્રાકટ આપ્યો છે. ગોવિંદભાઈના 16 ડીલીવરી બોય તેમને ત્યાં કામ કરે છે. તે પૈકી સ્વરાજ ઈશ્વરભાઈ પાટીલ ( રહે. પી/203, ઉમિયાનગર વિભાગ 2, ડિડોલી, સુરત ) ગત 28 જૂને મિત્ર સાગર ભાસ્કરભાઈ પાટીલ ( રહે.201,વાત્રક સોસાયટી, કનકપુર ગુજરાત હાઉસીંગ બોર્ડ, સચીન, સુરત ) સાથે આવ્યો હતો અને 250 પાર્સલ ડીલીવરી માટે લઈ ગયો હતો. પરંતુ સાંજે તે ડીલીવર થયેલા પાર્સલની રસીદ જમા કરાવવા નહીં આવતા ધ્રુવે ફોન કર્યો તો સ્વરાજે એક્સીડન્ટ થયો છે તેમ કહી બીજા દિવસે સવારે રસીદ જમા કરાવીશ તેમ કહ્યું હતું.

(5:10 pm IST)