ગુજરાત
News of Tuesday, 2nd August 2022

સુરતની સુમુલ ડેરી દ્વારા લમ્પી વાયરસ વેક્સીનના એક લાખથી વધુ ડોઝ ખરીદાયા

સુમુલ ડેરીની 80 ડોક્ટરોની ટીમ 500 કરતાં વધારે વોલ્યુંટરો સાથે સુરત તેમજ તાપીના 6 લાખ જેટલા પશુપાલકોના પશુઓ માટે રસીકરણની કામગીરી શરૂ

સુરતની સુમુલ ડેરી દ્વારા પશુઓને વેક્સીન આપવાની કામગીરી હાથધરવામાં આવી છે.મહત્વની વાત છે કે સુમુલ ડેરીએ એક વર્ષ પહેલાં જ એક લાખ કરતા વધુ લમ્પી વાયરસ રસીના ડોઝની ખરીદી કરી લીધી હતી. ત્યારે સુમુલ ડેરીના 80 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા આ કામગીરી હાથધરવામાં આવી છે.

રાજ્યમાં પશુઓમાં  લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. પશુઓમાં લમ્પી રોગ વકરી રહ્યો છે અને તેના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. લમ્પી વાયરસ એ આજકાલ આવેલો રોગ નથી. ભારતમાં 19 નવેમ્બર 2019માં પહેલો કેસ ઓરિસ્સામાં નોંધાયો હતો અને પછી ધીમેધીમે બીજા રાજ્યોમાં ફેલાયો. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો હતો અને સંખ્યાબંધ પશુઓ અસરગ્રસ્ત થયા હતા. ત્યારે હવે ગુજરાતના પશુઓમાં પણ આ વાયરસ જોવા મળી રહ્યો છે.

પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈને પશુપાલકો ખૂબ જ ચિંતામાં છે. ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ લમ્પી વાયરસને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતની સુમુલ ડેરીની 80 ડોક્ટરોની ટીમ 500 કરતાં વધારે વોલ્યુંટરો સાથે સુરત તેમજ તાપીના 6 લાખ જેટલા પશુપાલકોના પશુઓ માટે રસીકરણની કામગીરી શરૂ કરી રહી છે.

મહત્વની વાત છે કે લમ્પી વાયરસે એક વર્ષ પહેલાં જ દેખા દીધી હતી. તેને લઈને સુરતની સુમુલ ડેરી દ્વારા એક વર્ષ પહેલા જ 1.60 લાખ જેટલી રસીની ખરીદી કરી હતી અને તેમાંથી 1.30 લાખ જેટલી રસી પશુઓને આપવામાં આવી છે. સુમુલ ડેરીના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લઈને પશુઓમાં લમ્પી વાયરસ ખૂબ જ ઓછો દેખાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં સુરત અને તાપી જિલ્લામાં માત્ર બે જેટલા જ કેસ લમ્પી વાયરસના સામે આવ્યા છે.

(9:52 pm IST)