ગુજરાત
News of Tuesday, 2nd August 2022

રિન્‍યુઅલ ફી નહિ ભરી શકનાર વકીલોના વારસોને સહાય આપવા બાર કાઉ.નો નિર્ણય

૨૧૮ જેટલા વકીલોના વારસોને બે કરોડથી વધુ રકમ ચુકવાશે

અમદાવાદ,તા. ૨ : વેલ્‍ફેર ફંડના નિયમોનુસાર વેલ્‍ફેર ફંડની રિન્‍યુઅલ ફી ભરી નહી શકનાર સ્‍વર્ગસ્‍થ વકીલોના વારસોને મૃત્‍યુ સહાય ચુકવાતી નથી આવા ૨૧૮ જેટલા વકીલો આ મૃત્‍યુ સહાયની રકમથી વંચિત હતા. જેને પગલે સ્‍વ.વકીલોના વારસો તરફથી ગુજરાત બાર કાઉન્‍સીલને કરાયેલી વિનંતીને ધ્‍યાનમાં લઇ બાર કાઉન્‍સીલે માનવતા દાખવી આવા સ્‍વ.૨૧૮ વકીલોના વારસોને મૃત્‍યુ સહાયની કુલ રૂા. બે કરોડથી વધુની સહાય ચુકવવામાં આવશે.

ગુજરાત બાર કાઉન્‍સીલ ચેરમેન અનિરૂધ્‍ધસિંહ ઝાલા અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના પદાધિકારીઓની મળેલી બેઠકમાં આ મહત્‍વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે મૃત્‍યુ પામનાર જે વકીલોએ વેલ્‍ફેર ફંડની એક રિન્‍યુઅલ ફી નહી ફરી હોય તેમના વારસદારોને રૂા. એક લાખ, બે રિન્‍યેઅલ ફી નહી ભરી હોય તેવા સ્‍વ. વકીલના વારસદારોને રૂા. ૭૫ હજાર ને ત્રણ રિન્‍યુઅલ ફી નહી ભરી હોય તેવા કિસ્‍સામાં આશ્રિતોને રૂા. ૫૦ હજારની સહાય ચુકવવામાં આવશે. બાર કાઉન્‍સીલ તરફથી મૃત્‍યુ સહાયની રકમ પેટે રૂા. બે કરોડથી વધુની રકમ ચુકવવાની થશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા ગુજરાત રાજ્‍યના મૃત્‍યુ પામનાર વકીલોના વારસદારોને દસ કરોડ રૂપિયાથી વધુની રકમ મૃત્‍યુ સહાય પેટે ચુકવવામાં આવી હતી. ત્‍યારબાદ આજે રાજ્‍યના ૨૧૮ સ્‍વર્ગસ્‍થ વકીલોના વારસોના હિતમાં મૃત્‍યુ સહાય ચુકવવાનો માનવીય અભિગમ સાથે નિર્ણય લેવાયો હતો.

(10:27 am IST)