ગુજરાત
News of Tuesday, 2nd August 2022

પંચાયતના તલાટીઓની હડતાલનો પ્રારંભ : સમાધાનના પ્રયાસો

પંચાયતોની કામગીરી પર અસર : સરકાર કક્ષાએ બપોર બાદ નિર્ણાયક બેઠક : અમુક માંગણીઓ સ્‍વીકારાવાના સંકેત:વર્ષ ૨૦૦૪-૦૫ની ભરતીના તલાટીઓની નોકરી સળંગ ગણવાની માંગણી પ્રત્‍યે સરકારનો હકારાત્‍મક અભિગમ : મહેસુલી અને પંચાયત તલાટીની કેડર વિલિનિકરણ કરવાનો મુદ્દો કોર્ટમાં છે : પંચાયત સિવાઇની કામગીરી વખતનું તલાટીઓનું ભથ્‍થુ વધારાશે

રાજકોટ તા. ૨ : ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળના એલાન મુજબ પડતર પ્રશ્નોને વાચા આપવા આજથી રાજ્‍યના ૮૫૦૦ જેટલા પંચાયતી તલાટીઓની હડતાલનો પ્રારંભ થયો છે. જેનાથી પંચાયતોની રોજિંદી કામગીરી પર વિપરીત અસર પડી છે. રાજકોટમાં તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્‍ચાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાજ્‍ય કક્ષાએથી મહામંડળના પ્રમુખ પંકજ એલ. મોદીએ હડતાલનું એલાન કર્યું છે. પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્‍યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ધાર તેમણે વ્‍યકત કર્યો છે. મહામંડળના ઉપપ્રમુખ તરીકે રાજકોટના ચિરાગ ગરૈયા છે.

વર્ષ ૨૦૦૪-૦૫ના વર્ષની ભરતીના તલાટીઓની નોકરી સળંગ ગણવી, સર્કલ ઇન્‍સ્‍પેકટરની જગ્‍યા વિસ્‍તરણ અધિકારી તરીકે અપગ્રેડ થતા દ્વિતીય ઉચ્‍ચતર પગાર ધોરણનો લાભ આપવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્‍તિ આપવી, મહેસુલી તલાટીઓની કેડર પંચાયત તલાટી કેડરમાં વિલિન કરવી, પંચાયતના તલાટીઓને અન્‍ય વિભાગની વધારાની કામગીરી ન સોંપવી વગેરે બાબતની માંગણીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળના આદેશ મુજબ આજથી તલાટી -કમ-મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજ્‍યના તમામ તલાટી-કમ-મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. રાજકોટ જિલ્લા અને તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ આ હડતાળમાં છે. આજે તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકોટ તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ એકઠા થઇ તાલુકા મથકે ચાવી અને સિક્કા જમા કરાવી પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્‍ચાર કરશે તેમ શ્રી ચિરાગ ગેરૈયા - ઉપપ્રમુખ ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળ અને પ્રમુખ, રાજકોટ જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળએ જણાવ્‍યું છે.

દરમિયાન સરકારી સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે કે પંચાયત તલાટી મહામંડળની માંગણીઓ સંદર્ભે સરકારમાં ઉચ્‍ચ કક્ષાએ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે ૩ વાગ્‍યે નિર્ણાયક બેઠક છે. સરકારે અમુક માંગણીઓ સ્‍વીકારી લેવા મન બનાવ્‍યું છે. એક-બે દિવસમાં જ સમાધાન થઇ જાય તેવી આશા છે.

આ અંગે પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે, તલાટીઓની માંગણી સંદર્ભે સરકાર કક્ષાએ કાર્યવાહી થઇ રહી છે. ઘીના ઠામમાં ઘી પડી જશે.

(12:06 pm IST)