ગુજરાત
News of Tuesday, 2nd August 2022

સરકારનો સ્વીકાર લમ્પીથી રાજ્યમાં સૌથી વધુ ૧૧૯૦ પશુઓના મોત કચ્છમાં

સાજા પશુઓને બચાવવા સરકારનું પ્રથમ લક્ષ્ય, રસીકરણ અને આઈશોલેસન વ્યવસ્થા ઉભી કરાશે : મૃત પશુઓના વળતર માટે અત્યારે કોઈ વિચારણા નહીં, મુખ્યમંત્રી અને પશુપાલન મંત્રીએ બેઠકમાં તંત્રને જરૂરી સૂચનાઓ આપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ ગૌશાળા, પાંજરાપોળ સંચાલકો અને પશુપાલકોમાં ફફડાટ સર્જનાર લમ્પી રોગની ગંભીરતાના કચ્છમાં મીડિયા દ્વારા સતત પ્રકાશિત કરાઈ રહ્યા છે. દરમ્યાન મુખ્ય સચિવ પંકજકુમારે પણ સ્મૃતિ વનના કામની સમીક્ષા દરમ્યાન લમ્પીની ગંભીરતા ધ્યાને લઇ તે અંગે બેઠક યોજીને પશુઓની સારવાર અંગે સુચનાઓ આપી હતી. લમ્પીની ગંભીરતા સમજી આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે કચ્છ દોડી આવ્યા હતા. સવારે પશુ આઇશોલેશન વોર્ડની મુલાકાત લઇ તંત્ર સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમ જ પશુપાલન રાઘવજીભાઈ પટેલે ભુજની કલેકટર કચેરી મધ્યે જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ ની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે સ્વીકાર્યું હતું કે, રાજ્યમાં લમ્પીથી સૌથી વધુ ૧૧૯૦ પશુઓના મોત કચ્છમાં થયા છે. જોકે, રાજ્ય સરકાર લમ્પીથી પશુઓને બચાવવા અસરકારક પગલાં ભરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્યારે સ્વસ્થ પશુઓને બચાવવા માટે રસીકરણ ની કામગીરી વેગવંતી બનાવવા તેમ જ પશુઓને બચાવવા વધુ આઇસોલેશન વોર્ડ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. 

જોકે, પશુઓના મોતના આંકડા બાબતે કોંગ્રેસ તેમ જ ગૌશાળા પાંજરાપોળ યુવા સંઘે સેંકડો પશુઓના મોતનો આક્ષેપ કર્યો છે. જ્યારે ભુજમાં મૃત પશુઓના મૃતદેહના વીડિયો એ પણ ચકચાર સાથે ચર્ચા સર્જી છે.

(2:20 pm IST)