ગુજરાત
News of Tuesday, 2nd August 2022

‘આપ'નો ધડાકોઃ વશરામ સાગઠીયા-શિવલાલ બારસીયાને ટિકીટ

રાજકોટ ગ્રામ્‍યથી વશરામ સાગઠીયા અને રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી શિવલાલ બારસીયા ચૂંટણી લડશે : ઉમેદાવરોના નામોનું બીજુ લીસ્‍ટ પણ જલ્‍દીથી જાહેર કરવામાં આવશે, ચૂંટણીનું જાહેરાનામું બહાર પડે તે પહેલા જ તમામ ઉમેદવારોના નામ જાહેર થઈ જશેઃ કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી વિચાર જ કર્યે રાખશે અને છેલ્લે ભાજપ સાથે બેસી જશેઃ ગોપાલ ઈટાલીયા: ચૂંટણીના ૪ મહિના પહેલા આમ આદમી પાર્ટી એકશન મોડમાં: ૧૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્‍યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી  દ્વારા આજે ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્‍યમાંથી વશરામ સાગઠીયા અને રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી શિવલાલ બારસીયાનું નામ જાહેર કરવામાં આવ્‍યું છે.
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્‍યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે.  અરવિંદ કેજરીવાલજી અને દિલ્‍હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્‍ટ જાહેર થયું તેમાં ૧૦ ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્‍ટ પણ જલ્‍દી જાહેર કરવામાં આવશે.
 તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્‍ટ જાહેર કરાયુ છે.ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.
ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્‍યમંત્રીનો ચહેરો જાહેર થશે.
‘આપ' દ્વારા જાહેર કરાયેલા ૧૦ ઉમેદવારોના નામ આ મુજબ  છે.   ભેમાભાઈ ચૌધરી-દિયોદર, વશરામ સાગઠિયા - રાજકોટ ગ્રામ્‍ય, સાગર રબારી- બેચરાજી, અર્જુન રાઠવા- છોટાઉદેપુર, રામ ધડુક - કામરેજ( સુરત), શિવલાલ બારસિયા- રાજકોટ દક્ષિણ, સુધીર વાઘાણી - ગારીયાધાર, રાજેન્‍દ્ર સોલંકી - બારડોલી, ઓમપ્રકાશ તિવારી - નરોડા, જગમાલ વાળા- સોમનાથ.
આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય કન્‍વીનર અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્‍યા હતા અને આ ઉમેદવારો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

 

(3:09 pm IST)