ગુજરાત
News of Tuesday, 2nd August 2022

પ્રયાગરાજનો મહાકુંભ યુનિ. ખાતે શરૂ થયો એમાં હું ડૂબકી મારવા આવ્‍યો છું : મોરારીબાપુ

કાવ્‍ય મહાકુંભમાં મોરારીબાપુની પ્રેરક હાજરી

રાજકોટ : આઝાદી કા અમૃત મહોત્‍સવ સમગ્ર ભારત વર્ષ ધુમધામથી મનાવી રહ્યો છે. ત્‍યારે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, ગુલાબદાસ બ્રોકર ચેર અને ગુજરાતી ભાષા સાહિત્‍ય ભવન સૌ. યુનિ. તેમજ ગુજરાત સાહિત્‍ય અકાદમીના સંયુકત ઉપક્રમે આયોજીત ‘કાવ્‍ય મહાકુંભ' ના ઉદ્‌્‌ઘાટન પ્રસંગે પૂ. મોરારીબાપુએ  જણાવેલ કે પ્રયાગની જેમ આજે અહીં પણ ગંગા, યમુના સરસ્‍વતીની જેમ જ્ઞાન, કર્મ અને કવિતાનો ત્રિવેણીસંગમ જોવા મળે છે.  શબ્‍દોથી મોટી કોઇ સંપદા નથી એટલે જ શબ્‍દના વિવિધ ઉપાસકોને આ કાવ્‍યકુંભમાં અવસર મળ્‍યો છે. એથી હું ખુબ પ્રસન્ન છું. પૂ. બાપુએ જણાવ્‍યું કે ઋષિ કવિ રાજેન્‍દ્ર-શુકલને સાંભળ્‍યા વગર હું અહીંથી જવાનો નથી ત્‍યારે મુર્ધન્‍ય કવિએ જયારે પોતાની ર૦ વર્ષ જુની ‘કુંભ' પર લખેલી કવિતા સંભળાવી ત્‍યારે હોલમાં બેઠેલા તમામ શ્રોતાઓ સહિત બાપુ પણ ઝુમી ઉઠયા અને હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયો.  ઉદ્‌્‌ઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત ગુજરાત સાહિત્‍ય અકાદમીના નવનિયુકત અધ્‍યક્ષ ભાગ્‍યેશભાઇ જહાનું વિશેષ અભિવાદન કરાયા બાદ તેમણે કવિ અને કવિતાના શકિત સામર્થ્‍યના સંદર્ભમાં જણાવેલ કે ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓએ રાષ્‍ટ્રભકિતરસથી ભરપુર કવિતા લેખન દ્વારા દેશના યુવાનોમાં એક એવી રાષ્‍ટ્રભકિતનો જુવાળ ઉભો કર્યો હતો કે એમની કવિતાઓ સાંભળી લોકો સમરાંગણમાં રાષ્‍ટ્રકાજે કૂદી પડતા હતા.  આ પ્રસંગે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ડો. કમલ મહેતા, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી ડો. ભરતભાઇ રામાનૂજ, ગુલાબદાસ બ્રોકર ચેર,  ગુજરાતી ભાષા સાહિત્‍ય ભવન અને અખંડ કાવ્‍યામહાકુંભની સમગ્ર પરિકલ્‍પનાના સંયોજક ડો. મનોજ જોશી, મેયર પ્રદીપભાઇ ડવ વિ. હોદ્દેદારોએ પ્રાસંગિક ઉદ્‌્‌બોધન આપેલ.  કટારલેખક જય વસાવડા અને સુપ્રસિધ્‍ધ કવિ તુષાર શુકલએ પણ શ્રોતા બની. પૂ. બાપુને સાંભળ્‍યા હતા. ઉદ્‌્‌ઘાટન કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડયા દ્વારા કરવામાં આવેલ.  

(3:51 pm IST)