ગુજરાત
News of Tuesday, 2nd August 2022

આજે ગાંધીનગરનો સ્‍થાપના દિવસઃ 2 ઓગસ્‍ટ 1956માં પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાના આગ્રહથી નવા પાટનગરની સ્‍થાપના કરાઇ હતી

હરિયાળુ નગર એટલે ગાંધીનગરઃ પહેલા માત્ર સરકારી શહેર ગણાતુઃ અનેક નેતાઓ રાજકારણના પાઠ અહીંથી શીખ્‍યા અને વિશ્વ ફલક પર છવાઇ ગયા

અમદાવાદઃ આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરનો સ્‍થાપના દિવસ છે. ઘણા રાજ્‍યો અલગ થયા બાદ નવા પાટનગરો અસ્‍તિત્‍વમાં આવ્‍યા તેમ ગાંધીનગરની સ્‍થાપના 1956માં તે સમયના મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાના વિચારે પાટનગરની સ્‍થાપના થઇ હતી. 1 મે 1970માં પ્રથમ સરકારી વસાહત બની બાદમાં આ નગર વિકાસની તેજ રફતારથી આજે વિશ્વ ફલક પર છવાઇ ગયુ છે.

એક સમય હતો કે જ્યારે આ જગ્યા સાવ સુમસામ ભાસતી હતી. ચારેય કોર ધુળની ડમરીઓ અને વેરાન જંગલો...માણસ અહીં શોધ્યો નહોંતો જડતો...આ ત્યાં સરકાર બસે છે. આ આર્ટિકલમાં અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાતની રાજધાની ગાંધીનગરની. ત્યારે એ કહાની પણ રસપ્રદ છેકે, એક સમયએ આંધીનગર અને ધુળિયુંનગર ગણાતું આ શહેર પછીથી કઈ રીતે ગુજરાત રાજ્યનું પાટનગર બની ગયું. કેમ ગાંધીનગરને જ બનાવવામાં આવ્યું ગુજરાત રાજ્યનું પાટનગર? અમદાવાદ ગુજરાતનું પાટનગર હોવા છતાં રાજ્યના પહેલાં મુખ્યમંત્રીએ કેમ નવેસરથી ગાંધીનગરમાં બનાવી રાજ્યની રાજધાની? તે સમયે મહારાષ્ટ્ર પાસેથી અલગ પાટનગર બનાવવા માટે ગુજરાત સરકારે લીધાં હતાં કેટલાં રૂપિયા? અને કઈ રીતે મુકાઈ ગાંધીનગરની પહેલી ઈંટ? આવા અનેક રોચક સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળશે.

પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે રાજ્યની સાથોસાથ રાજધાની ગાંધીનગરના વિકાસ માટે અનેક કામો કર્યા હતા. અને હવે જ્યારે તેઓ ભારતના પ્રધાનમંત્રી છે ત્યારે પણ તેઓ પોતાની કર્મભૂમિ ગાંધીનગરના વિકાસ માટે સતત પ્રયત્નો કરતા રહે છે. એના જ ફળસ્વરૂપ છેલ્લાં એક દાયકામાં ગાંધીનગરમાં 4 મહત્ત્વના પ્રોજેક્ટની સ્થાપાયા. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 13000 કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો. અને આ પ્રોજેક્ટ્સ થકી જ દુનિયાભરમાં છવાઈ ગયું આ સરકારી શહેર.

એક સમયે સેક્ટરોમાં સીમીત શહેર આજે વિસ્તારોમાં વહેંચાઈ ગયુંઃ

એક સમયે સેક્ટરોમાં સીમીત રહેતું ગાંધીનગર હવે છેક અમદાવદ સુધી વિસ્તરી ગયું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં રાંધેજા, પેથાપુરથી લઇને ભાટ તથા ખોરજ -ઝુંડાલ સુધીના ગામો સમાઇ ગયા છે. આમ, નગર જેમ જેમ ઉંમરથી મોટું થઇ રહ્યું છે તેમ તેમ વિસ્તારની દ્રષ્ટીએ પણ ગાંધીનગર મોટું થયું છે. ગાંધીનગર રાજયના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વીન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં વિખ્યાત છે. એટલું જ નહીં સુંદર માર્ગો, બગીચાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીએ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. આગામી દિવસોમાં આ અંડરપાસ પણ તૈયાર થઇ ગયા બાદ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી અખંડ સ્વર્ણીમપાર્ક હશે અને આ સેન્ટ્રલ વિસ્ટા ગાંધીનગરનું કરોડરજ્જુ બની જશે.

ગાંધીનગરને જ કેમ બનાવ્યું ગુજરાતનું પાટનગર?

અતિતમાં ડોકિયું કરીએ તો 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પહેલું પાટનગર અમદાવાદ બન્યું, પરંતુ અલગ ગુજરાત રાજ્ય સ્થાપવાનું નક્કી થયું ત્યારે આપણા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને એવો વિચાર આવ્યો કે આંધ્રપ્રદેશમાં જેમ સિકંદરાબાદ બન્યું, પંજાબમાં જેમ ચંદીગઢ બન્યું એ રીતે નવનિર્મિત ગુજરાતનું પાટનગર પણ નવું હોવું જોઇએ, કારણ કે સંયુક્ત મુંબઇ રાજ્યમાંથી અલગ થતાં મહારાષ્ટ્રને ‘મુંબઇ’ જેવું સમૃદ્ધ શહેર પાટનગર તરીકે તૈયાર મળતું હતું, તેથી મહારાષ્ટ્ર રાજ્યે આ માટે 10 કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા. ત્યાર બાદ ગુજરાતની અનેક જુદી જુદી જગ્યાઓ જોઇને ચકાસણી કર્યા બાદ અંતે ગુજરાતના નવા પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગી કરવામાં આવી હતી.

પહેલાં માત્ર સરકારી શહેર હતું ગાંધીનગરઃ

ગાંધીનગરની સ્થાપના બાદ 1 મે, 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. પહેલા જ દિવસે 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવાયા હતા, જેમાં 95 ટકા સરકારી કર્મચારીઓ હતા. અહી વસવાટ વસાવવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. અહીં લોકોને તમામ સુવિધા મળી રહે એ માટે દવાખાનું, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઊભા કરાયાં હતાં. રાજધાનીમાં તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોનાં સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય, તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે. શહેરના સરકારી અધિકારીઓ અને ખાનગી રહેવાસીઓનું રહેઠાણ આવેલું છે.

અનેક મુખ્યમંત્રીઓને પાટનગર ગાંધીનગરે શિખવ્યાં રાજનીતિના પાઠઃ

આ શહેરે તેના કાર્યકાળમાં જીવરાજ મહેતા,બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓને મુખ્યમંત્રી તરીકે જોયા. એમ અનેક મુખ્યમંત્રીઓને પાટનગર ગાંધીનગરે શિખવ્યાં રાજનીતિના પાઠ. અને આ શહેર આ તમામ મુખ્યમંત્રીઓના બદલાતા શાસન કાળમાં થયેલી રાજકીય ઊથલપાથલનું સાક્ષી બન્યું. જેમાં સૌથી વધારે અને સૌથી સારા શાસનકાળ તરીકે નરેન્દ્ર મોદીના સમયને વિશેષ રૂપથી યાદ રાખવામાં આવશે. કારણકે, તેમના શાસનકાળ દરમિયાન વિકાસની રાજનીતિ અંતર્ગત માત્ર ગાંધીનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતને વૈશ્વિક ફલક પર ચમકવાના અનેક અવસરો મળ્યાં. આજે ગુજરાતના ગ્રીન કેપિટલ તરીકે ઓળખાતા ગાંધીનગરના જન્મ દિવસ નિમિત્તે શહેરની કેટલીક ખાસ-રસપ્રદ તેમજ સૌથી જાણીતી જગ્યાઓ વિશે પણ જાણીશું.

હરિયાળું નગર એટલે ગાંધીનગરઃ

ગાંધીનગર એની હરિયાળીને કારણે પણ ખૂબ જ જાણીતું છે. અન્ય મોટાં શહેરોની સરખામણીએ અહીં સૌથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે. કેટલાક લોકો આ શહેરને શાંત સિટી પણ કહે છે. જોકે માત્ર આ જ ખાસિયતો નહીં, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગાંધીનગરમાં સ્થાપિત થયેલા નવા પ્રોજેક્ટ્સને કારણે પણ આ શહેર આજે વિશ્વભરમાં જાણીતું બન્યુ છે, જેમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, ટોય મ્યુઝિયમ તેમજ તાજેતરમાં જ બનેલા 5 સ્ટાર હોટલ સાથેનું રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વર્ષ 2011માં બનેલા મહાત્મા મંદિરના નિર્ણય બાદ ગાંધીનગર શહેરની કાયાપલટ શરૂ થઈ હતી. મહાત્મા મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ દર બે વર્ષે થતું વાઈબ્રેન્ટ ગુજરાત પણ મહાત્મા મંદિરમાં જ યોજવામાં આવે છે, જ્યાં દેશ-વિદેશના બિઝનેસનમેન ભાગ લેવા માટે છે.

હવે જાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીની વિશે:

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને એમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, યુટિલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. એનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડરી લેસ છે અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યો નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં આકાર લઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ:

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે. ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, કારણ કે અહીં દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવી પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

ગાંધીનગરમાં છે રેલવે પ્લેટફોર્મની છત પર બનેલી દેશની પહેલી ફાઈવ સ્ટાર હોટલ:

દેશમાં પહેલી વાર રેલવે-ટ્રેક પર તૈયાર થયેલી 5 સ્ટાર હોટલનું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ થયું છે. સ્ટેશન બિલ્ડિંગ પર હોટલની સાથે સ્ટેશનને પણ રિડેવલપ કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેશન પરિસરમાં મોલ, ખાણીપીણી સ્ટોલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, સાથે જ રેલવે પ્લેટફોર્મ પર બનેલી આ હોટલમાં રોકાયેલી વ્યક્તિ સીધી મહાત્મા મંદિરમાં જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનની વાત કરીએ તો આ રેલવે સ્ટેશન પર 3 પ્લેટફોર્મ પૈકી એક વન-એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાંબું કોલમ વગરનું એલ્યુમિનિયમની છત ધરાવતું સ્ટેશન છે.

ગાંધીનગર-અમદાવાદ ટ્વીનસીટીની પરિકલ્પનાઃ

ગાંધીનગર-અમદાવાદને ટ્વીનસીટી કહેવામાં આવે છે. ન્યુ ગાંધીનગર અને અમદાવાદ તરફ વિકાસે ગતી પકડી છે જેના કારણે ગાંધીીનગર-અમદાવાદ લગભગ એક જ થઇ ગયું હોય તેમ લાગે છે ત્યારે ગ્રીનસીટી ગાંધીનગરને મેટ્રોસીટી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટથી પણ આગામી વર્ષોમાં જોડાવાના છે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 2024માં મેટ્રો ટ્રેન દોડશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજીબાજુ ગાંધીનગર અમદાવાદ આ બન્ને મહાનગરોમાંથી પસાર થતી સાબરમતી નદીના રીવરફ્રન્ટને પણ ગાંધીનગર સુધી લંબાવાની યોજના આગામી દિવસોમાં છે. જે અંતર્ગત સંત સરોવર સુધી રીવરફ્રન્ટનું કામ કરવામાં આવશે. સંત સરોવર ખાતે વિવિધ સુવિધા ઉભી કરીને તેને પર્યટનસ્થળ તરીકે પણ ડેવલપ કરવાની એક યોજના આગામી વર્ષોમાં આકાર લઈ શકે છે.

(4:46 pm IST)