ગુજરાત
News of Tuesday, 2nd August 2022

આણંદ જિલ્લાના બોરસદમાં અગાઉ સગીરા સાથે શારીરિક અડપલાં કરનાર આધેડને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ ખાતે ત્રણ વર્ષ પૂર્વે એક સગીરા સાથે શારિરીક અડપલાં કરી આબરૂ લેવાની કોશિષ કરનાર આધેડને આણંદની કોર્ટ તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. સાથે સાથે તેને રૂા.૨ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ બોરસદ શહેરના રાજા મહોલ્લા વિસ્તારમાં આવેલી એક અનાજ કરિયાણાની નજીકથી ગત તા.૧૭-૮-૨૦૧૯ના રોજ સાંજના સુમારે એક સગીરા પોતાની સખી સાથે ઘર તરફ જઈ રહી હતી. દરમ્યાન રાજા મહોલ્લા ખાતે રહેતા ૪૮ વર્ષીય નાસીરખાન હસનખાન પઠાણે સગીરાને બોલાવી રૂા.૨૦ આપી તે પૈકી રૂા.૧૦નું દુધ લઈ આવવા અને બાકીના પૈસા બંનેએ લઈ લેવા કહ્યું હતું. 

મદદરૂપ થવાની ઈચ્છા સાથે સગીરા દુધ લઈ રાજા મહોલ્લામાં મસ્જીદ પાસે રહેતા નાસીર પઠાણના ઘરે આપવા ગઈ હતી. જ્યાં તેણીની સખી ઘરની બહાર ઉભી હતી અને પોતે ઘરમાં જતા વાસનાના વમળમાં અંધ બનેલ નાસીરખાન પઠાણે સગીરા સાથે શારિરીક અડપલાં કરી દુષ્કર્મ આચરવાની કોશિષ કરી હતી. જો કે સગીરાએ હિંમતથી સામનો કરી પોતાને છોડાવી ત્યાંથી નીકળી ગઈ હતી અને ઘરે જઈ પોતાના પરિવારજનોેને જાણ કરતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા. બાદમાં પરિવારજનોએ બોરસદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે નાસીરખાન હસનખાન પઠાણ વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડયો હતો. પોલીસે સમગ્ર કેસ અંગે તપાસ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.આ કેસ આણંદના સ્પે.પોક્સો જજ અને ત્રીજા એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો તેમજ દસ સાક્ષીઓને તપાસ્યા  બાદ ન્યાયાધિશે નાસીરખાન હસનખાન પઠાણને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.બે હજારનો દંડ ફટકારતો ચૂકાદો સંભળાવ્યો હતો.

(5:55 pm IST)