ગુજરાત
News of Tuesday, 2nd August 2022

નડિયાદના નાનાકુંભનાથ રોડ પર જર્જરિત હાલતમાં આવેલ કોમ્પલેક્ષની ગેલેરી ધરાશયી થતા અફડાતફડી મચી જવા પામી

નડિયાદ : નડિયાદ નાનાકુંભનાથ રોડ પર જર્જરીત હાલતમાં સોના કિરણ કોમ્પ્લેક્સ આવેલું છે. પાલિકા તંત્ર દ્વારા જર્જરિત કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારોને ખાલી કરવાની નોટિસ આપી હતી. આમ છતાં કેટલાક પરિવારો જર્જરીત કોમ્પ્લેક્સમાં રહેતા હતા. આ કોમ્પ્લેક્સમાં સોમવારે સાંજે અચાનક પહેલા અને બીજા માળની ગેલેરી ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટનાને પગલે અફડાતફડી મચી જવા પામી હતી.

નડિયાદ નાના કુંભનાથ રોડ પર ચાલીસેક વર્ષ જૂનું સોના કિરણ કોમ્પલેક્ષ આવેલ છે. આ કોમ્પ્લેક્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ગયા વર્ષે પણ કોમ્પ્લેક્સની ગેલેરી કડડભૂસ થઈ તૂટી પડી હતી. આ બનાવના પગલે ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ મ્યું. કાઉન્સિલર પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. સંદનસીબે ગેલેરી પડવાના સમયે નીચે કોઈ ન હોઇ જાનહાની સર્જાતી રહી ગઈ હતી.

(5:55 pm IST)