ગુજરાત
News of Tuesday, 2nd August 2022

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામે નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ : બોટાદના લઠ્ઠાકાંડની યાદ હજી તાજી છે ત્યાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામેથી નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે. આંકલાવ પોલીસે ગત મધ્ય રાત્રિના સુમારે ભેટાસી ગામના માંડવાપુરા તરફ જવાના માર્ગ પર આવેલ એક ખેતરની ઓરડીમાં છાપો મારી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ મીની ફેક્ટરીના તાર રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું છે.

 ભેટાસી ગામના માંડવાપુરા તરફ જવાના માર્ગ પર આવેલ કેનાલ નજીકના ખેતરમાં બોર-કુવાની ઓરડી ખાતે નકલી વિદેશી દારૂ બનાવી અન્ય સ્થળોએ વેચવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી આંકલાવ પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે ગઈકાલ મધ્ય રાત્રિના સુમારે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા ઓરડી ખાતેથી એક શખ્સ વિદેશી દારૂ બનાવતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેના નામ-ઠામ અંગે પૂછપરછ કરતા તે સુરેશ ઉર્ફે પકો ભઈલાલાભાઈ માળી (રહે.ભેટાસી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઓરડીમાં વધુ તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની ખાલી તેમજ ભરેલી કુલ-૩૮ બોટલો, ૧૨ કેરબા તથા વિદેશી દારૂ બનાવવાનું ૪૨૦ લીટર કેમીકલ સહિતની વિવિધ ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂા.૨,૫૯,૫૭૬નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ તમામ વસ્તુઓ જપ્ત કરી ઝડપાયેલ શખ્સની વધુ પૂછપરછ કરતા રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતો અમૃતલાલ હેમચંદજી જૈન નકલી દારૂ તૈયાર કરવાની સામગ્રી આપી ગયો હોવાનું અને નકલી દારૂ તૈયાર થયા બાદ તે જ લઈ જતો હોવાનું ખુલવા પામ્યું હતું. 

(5:55 pm IST)