ગુજરાત
News of Tuesday, 2nd August 2022

રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત ૭૦.૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર : ભારે વરસાદ વાળા જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ : રાહત કમિશનર પી.સ્વરૂપ

રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૬૦.૭૪ ટકા જ્યારે સરદાર સરોવર જળાશયમાં ૭૮.૫૫ ટકા પાણીનો સંગ્રહ:રાજ્યમાં ૫૩ જળાશયો હાઇ એલર્ટ પર તેમજ ૯ જળાશય એલર્ટ પર:SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ

ગાંધીનગર :રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત ૭૦.૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે તેમ આજે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું.

રાહત કમિશનર પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
રાહત કમિશનરએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૨૬૨૪૧૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૮.૫૫% છે. જ્યારે રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૩૩૯૦૨૭ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૬૦.૭૪% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –૫૩, એલર્ટ ૫ર કુલ-૦૯ તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૭  જળાશય છે.
તેમણે કહ્યું હતું કે રાજયમાં હાલ કુલ NDRFની ૧૩ ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જૂનાગઢ-૧, કચ્છ-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને વલસાડમાં -૧ ટીમનો  સમાવેશ થાય છે. આમ કુલ -૧૩ NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.
 હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.
આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી

(7:27 pm IST)