ગુજરાત
News of Tuesday, 2nd August 2022

અમદાવાદમાં વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ :બે ઠગબાજોની ધરપકડ

અમદાવાદમાં કરોડોની રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ;પોલીસે બે ઠગબાજોને ઝડપી લીધા

અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિદેશમાં વિઝા અપાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં નવરંગપુરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. અનત સુથાર  અને રવિ સુથાર નામના બંને આરોપીઓ આમ તો કૌટુબિંક ભાઈઓ છે. બંને આરોપીઓ ઠગાઈ આચરવા માટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સી.જી. રોડ પરના ચંદન કોમ્પલેક્સમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી

. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, યુ.એસ.એ. સહિત અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજારની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. જો કે નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીઓની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી બંને આરોપીની ધરપકડ કરી છે

પકડાયેલા બંને આરોપીઓએ વર્ષ 2019માં ટ્રાવેલ એજ્યુકેશન નામની ઓફિસ ખોલી હતી. જેમાં વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા અપાવવાનો દાવો કરી 1 વિદ્યાર્થી પાસેથી 7થી10 લાખ રૂપિયા ખંખેરી પરમિટ વિઝા, સ્ટુડન્ટ વિઝા ન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેમાં પોલીસે તપાસ કરતા 35થી વધુ વિદ્યાર્થીઓ ભોગ બન્યા હોવાનું સામે આવ્યુ છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓ પૈસા પરત કરવાની માગ કરતા જ ટ્રાવેલ એજ્યુકેશનની ઓફિસના એક મહિના પહેલા જ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે મુખ્ય આરોપી અનંત સુથાર પુના ભાગી ગયો હતો. જો કે પોલીસે તેની પણ ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે કરોડો રૂપિયાની ઠગાઈના પૈસા આરોપી સુથારે તેની વેબસાઈટ ડેવલપ કરવામાં વાપરી નાખ્યા છે. હાલ આરોપીએ કેટલા લોકો સાથે ઠગાઈ આચરી કેટલા લોકોને ભોગ બનાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરૂ છે. યુવાનોમાં આજકાલ વિદેશ જવાનું ઘેલુ વધી રહ્યુ છે. જેમાં કોઈ વર્ક પરમિટનું પ્રલોભન આપે તો તેમાં દોરવાયા વિના રહેતા નથી. જેમાં પોલીસ પણ અપીલ કરી રહી છે કે આવા લેભાગુ તત્વોથી ચેતો, વિઝા અંગેની કોઈપણ કાર્યવાહી કરતા પહેલા ડબલ ચકાસણી કર્યા બાદ જ એજન્ટનો સંપર્ક કરી પૈસાની આપલે કરવી જોઈએ.

(9:01 pm IST)