ગુજરાત
News of Wednesday, 2nd September 2020

અમદાવાદમાં આજે માત્ર એક જ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં ઉમેરાયો

શહેરના 16 વિસ્તાર માઇક્રોમેન્ટ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરાયા જયારે 15 દૂર કરાયા

અમદાવાદ: અનલોક બાદ અમદાવાદ મનપા દ્વારા જે વિસ્તારમાં વધુ કોરોના પોઝીટીવ કેસો એક સાથે મળી આવે તેને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં મૂકવાનું શરૂ કર્યું હતું. આજે જો કે તેમાં માત્ર એક જ વિસ્તારનો સમાવેશ થયો છે. આજે 390 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. તેમાંથી 15 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા છે. તેની સામે 16 નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે ઉમેરાયા છે. આમ દૂર અને ઉમેરાવાની સંખ્યાની સરખામણી કરીએ તો માત્ર એક વિસ્તાર વધુ ઉમેરાયો છે. મતલબ કે આજે 391 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા છે.

તેમાંય વળી આ વિસ્તારોમાં ઓઢવના આગમન પાર્કના 217 મકાનોના 1180 લોકો કોરોન્ટાઇનમાં મૂકાયા છે. તે જ રીતે થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલ પાસેની પી.એસ.પી. પેલેડિયમ કન્ટ્રકશન સાઇટના 175 મકાનોના 300 લોકો પણ કોરોન્ટાઇન કરાયા છે.

અમદાવાદ શહેરના કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. જેમાં હાલ અમદાવાદ શહેરમાં કુલ 390 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. તેમાંથી ચર્ચા વિચારણાંના અંતે 15 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. તેની સામે 16 વિસ્તારોમાં નવા કેસ રિપોર્ટ થયા હોવાથી નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે.

આજે માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ઉમેરાયેલા વિસ્તારોમાં મધ્ય ઝોનમાં આજે 1 વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયો હતો. તેની સામે ઉત્તર ઝોનમાં 2 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 3, દક્ષિણ ઝોનના 3 તથા પશ્ચિમ ઝોનના 2 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 વિસ્તાર ઉમેરાયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. જોકે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં આજે સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 14 દર્દીઓનો ભોગ લીધો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાંછેલ્લા 24 કલાકમાં 1310 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 97,745એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3036એ પહોંચ્યો છે.

(11:30 pm IST)