ગુજરાત
News of Wednesday, 2nd September 2020

ગુજરાત કેમીકલ પોર્ટ લિ. દ્વારા મુખ્યમંત્રી રાહતનીધિમાં રૂપિયા ૫ કરોડનું યોગદાન

વિજયભાઇને ચેક અર્પણ કરતા અવંતિકાસિંઘ અને હેમંત દેસાઇ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ગુજરાત કેમીકલ પોર્ટ લિમીટેડ દ્વારા રૂ. પાંચ કરોડનો ચેક પ્રવર્તમાન કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં રાહત ફાળા પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાત કેમીકલ પોર્ટ લિમિટેડના ચેરપર્સન શ્રીમતી અવંતિકાસિંઘ અને મેનેજિંગ ડિરેકટર શ્રી હેમંત દેસાઇએ કંપનીની સામાજીક સેવા રૂપે મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આ રાશિ અર્પણ કરી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્ષ ર૦૦૦થી ગુજરાત કેમીકલ પોર્ટ લિમીટેડ એ ખંભાતના અખાતમાં ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ ખાતે મહત્વપુર્ણ કોમર્શીયલ બંદર તરીકે કાર્યરત છે.

ગુજરાત સરકારના એકમો ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB), ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની લીમીટેડ (GNFCL), ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ લીમીટેડ (GACL), ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ લીમીટેડ (GSFCL), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (GIICL), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) તથા રીલાયન્સ ઇન્ડસ્ટ્રીસ લીમીટેડ (RIL)નું આ સંયુકત સાહસ છે.ગુજરાત કેમીકલ પોર્ટ લીમીટેડ સુરક્ષા અન્વયે ભારતીય તથા વૈશ્વિક નિયમો મુજબ આધુનિક સુસજ્જ સાધન-સામગ્રી ધરાવતુ બંદર છે તે પેટ્રોલીયમ, કેમીકલ અને પેટ્રો કેમીકલ પ્રોડકટસની આયાત નિકાસ માટે મહત્વની માળખાકીય સુવિધા ધરાવે છે.

(11:22 am IST)