ગુજરાત
News of Wednesday, 2nd September 2020

નવસારીમાં ગેરકાયદેસર દત્તક અપાયેલ બાળકનું રેસ્ક્યુ કરાયું

બાળકને દત્તક આપીને પરિવાર છુટવા માગતો હતો : અપરિણીત મહિલાએ બાળકને જન્મ આપતાં તેના માતા-પિતા તેને ગેરકાયદેસર રીતે દત્તક આપવા માગતા હતા

સુરત,તા.૨ : બાળક નાનું હોય કે મોટું માતા-પિતા તેના પર પુષ્કળ પ્રેમ વરસાવતા હોય છે. પરંતુ નવસારીમાં પ્રેમના કારણે જ જન્મેલા બાળકને ક્યાં ખબર હતી કે તેના નસીબમાં માતા-પિતાનો પ્રેમ નહીં હોય. નાનું બાળક કે જેણે સરખી રીતે આંખો નથી ખોલી અને જે દુનિયાદારીના કાવા-દાવાથી દૂર છે તેને જો નવસારીના ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટે ન બચાવ્યું તો ક્યારનું વિશ્વાસઘાતનું ભોગ બની ગયું હોત. વાત એમ છે કે, બાળકને જન્મ ૧૮ વર્ષીય એક અપરિણીત મહિલાએ આપ્યો હતો, કે જેની સાથે તેના પ્રેમીએ છેતરપિંડી કરી હતી અને તે પ્રેગ્નેન્ટ હોવાની જાણ થયા બાદ છોડી દીધી હતી. જો કે, મહિલાના માતા-પિતા કોઈ પણ ઈચ્છુક લોકોને બાળકને ગેરકાયદેસર રીતે દત્તક આપીને છુટકારો મેળવવા માગતા હતા. પરંતુ તેઓ આવું કંઈક કરે તે પહેલા જ ઘટનાસ્થળે ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટની ટીમ જાણ થતાં જ પહોંચી ગઈ હતી અને બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. અમને જાણ થઈ કે નવસારી શહેરમાં ૧૮ વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો છે.

                    અમને તેવી માહિતી પણ મળી કે, તેના માતા-પિતા ગેરકાયદેસર રીતે બાળકને કોઈને દત્તક આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અમે તરત જ હોસ્પિટલમાં પરિવાર સાથે મુલાકાત કરી હતી અને કેસની તપાસ કરી હતી', તેમ અધિકારીએ કહ્યું. જ્યારે તે યુવકના પ્રેમમાં પડી ત્યારે સગીર હતી અને તેની સાથે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જો કે, જ્યારે તેને પ્રેગ્નેન્સી વિશે જાણ થઈ તો તેણે તેના બોયફ્રેન્ડે આ અંગે કહ્યું હતું, પરંતુ તેણે કોઈ ઉત્તર આપ્યો નહોતો. તેણે પ્રેગ્નેન્સીની વાત તેના માતા-પિતાથી પણ છુપાવીને રાખી હતી, પરંતુ તેની માતાને શંકા જતા તે તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. જ્યાં તેમને જાણ થઈ કે તેને ૬ મહિનાનો ગર્ભ છે. અપરિણીત દીકરી ગર્ભવતી થઈ હોવાનું બહાર આવશે તો સમાજમાં તેમની આબરૂ શું રહેશે તેવા ડરથી તેમણે બાળકને દત્તક આપવાનું નક્કી કર્યું હતું', તેમ અધિકારીએ જણાવ્યું હતું.

(7:54 pm IST)