ગુજરાત
News of Wednesday, 2nd September 2020

પાટીલને હંફાવવા NCPના ઉપપ્રમુખપદે સીઆર પટેલ

રાજ્યમાં પક્ષોની પ્રદેશ સંગઠન મજબૂત કરવા ક્વાયતઃ સી.આર.પટેલ અગાઉની ચૂંટણીઓમાં અનેક કોંગ્રેસી નેતાને વિજયી બનાવવામાં ભૂમિકા નિભાવી ચૂક્યા છે

ગાંધીનગર, તા. ૨ : ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી કરતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ કોંગ્રેસ પણ તેના પ્રદેશ સંગઠનને મજબૂત કરવામાં લાગ્યું છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના શરદ પવારે પણ રાજ્યમાં તેમના સંગઠનને મજબૂત કરવા સોગઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. પક્ષ દ્વારા સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત રાષ્ટ્રવાદી પરિવારમાંથી આવે છે. તેઓ ઘણા જ સંનિષ્ઠ અને સક્રિય રાજકારણનો ખુબજ બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ લગભગ ચાર દાયકાથી કૉંગ્રેસ પક્ષના  વિવિધ હોદ્દાઓ સંભાળેલા છે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના પ્રભારી તરીકે તથા રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ તરીકે સંગઠનની  કામગીરી કરેલી છે. ઉપરાંત દુષ્કાળ વખતે ગુજરાત રાહત સમિતિના નેજા હેઠળ ખુબજ ઉમદા કામગીરી કરેલી છે.

               તેમની નિમણૂકથી એન.સી.પી. તેમના રાજકીય  અનુભવ અને પ્રયત્નથી સૌરાષ્ટ્રમાં મજબૂત બનશે એવા ગણિત મંડાઈ રહ્યા છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમીના મતદારોને એનસીપી તરફ ખેંચી લાવે એવી આશા રખાય છે. ગુજરાતમાં આગામી સૌરાષ્ટ્રની ૫ વિધાનસભાની બેઠકો માટેની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. તેઓ મતોનો ફાયદો મેળવવાની ગણતરી રાખે છે.  ખાસ કરીને મોરબી  સહિતની તમામ  બેઠકની પેટા ચૂંટણીમાં બી.જે.પી. અને કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારના વિવાદની વચ્ચે એન.સી.પીના ઉમેદવારની સ્થિતિ મજબૂત બનશે. આવા સંજોગોમાં સી.આર.પટેલની ભૂમિકા તથા માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. ભાજપના સી આર પાટીલની સામે રાકોંપાએ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે.  તેઓ ચૂંટણીના ગણીત અને જીતની વ્યૂહરચના ગોઠવવામાં માહીર છે. કોંગ્રેસના અનેક નેતાઓને ચૂંટણી જીતાડી આપવા તેમણે વ્યૂહરચના ગોઠવી આપી હતી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી)એ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની અનુમતિથી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રફુલ પટેલની સુચના અને આદેશથી આ નિમણૂક કરી છે.

(9:24 pm IST)