ગુજરાત
News of Wednesday, 2nd September 2020

અમદાવાદમાં સિરો- પોઝીટીવીટીમાં માત્ર 5.63 ટકાનો વધારો :પુરુષો કરતાં સ્ત્રીઓમાં સિરો- પોઝીટીવીટી વધુ

ઉત્તર ઝોનમાં 33.14 ટકા સાથે મહત્તમ સિરો- પોઝીટીવીટી:જૂન બાદ ઓગસ્ટમાં કરેલાં અભ્યાસમાં બહાર આવેલી વિગતો

અમદાવાદ: શહેરમાં કોરોના પ્રતિરોધક શક્તિ અંગેનો એક વસ્તી આધારિત અભ્યાસ (સિરો સર્વેલન્સ સ્ટડી) જૂનના બીજા પખવાડિયામાં કરવામાં આવ્યો હતો. આશરે 30 હજાર લોકોને આવરી લેતાં આ અભ્યાસમાં સરેરાશ પોઝીટીવીટી 17.61 ટકા જણાઇ હતી. આજે લગભગ દોઢ મહિના પછી ( તા. 15મીથી 29 ઓગસ્ટ ) ફરીથી કરવામાં આવેલા સિરો સર્વે (Sero Survey) અભ્યાસમાં 10 હજાર વસ્તીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તેમાં 23.24 ટકા સિરો-પોઝીટીવીટી (Sero Survey) થવા પામી છે. આ બંનેની સરખામણી કરીએ તો 5.63 ટકાનો વધારો દર્શાવે છે.

પુરુષોમાં 21.81 ટકા તથા સ્ત્રીઓમાં 25.37 ટકા સેરો પોઝીટીવીટી નોંધાઇ છે. મતલબ કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળી છે. સામાન્ય વસ્તી ઉપરાંત ચોક્કસપણે પોઝીટીવ કેસ, તેના સંપર્કમાં આવેલા કેસ વગેરેને પણ આ અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા હતા.

પ્રત્યેક વોર્ડમાં કેટલી વસ્તીનો સર્વે કરવો તે વસ્તીના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ જુદી જુદી કક્ષાના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના પ્રતિરોધકતા ચકાસવા 10,310 સીરમ સેમ્પલમાંથી 2396 પોઝીટીવ હોવાનું જણાયું છે. એટલે કે સિરો- પોઝીટીવીટી (Sero Survey) 23.24 ટકા નોંધાઇ છે. આરોગ્ય સેવાઓમાં કાર્યરત લોકોમાં સિરો-પોઝીટીવીટી (Sero Survey) 23.65 ટકા નોંધાઇ છે. એટલે કે 1708 સેમ્પલમાંથી 404 હેલ્થ વર્કરોમાં સેરો પોઝીટીવીટી (Sero Survey) જણાઇ છે. આ ઉપરાંત અગાઉ સંક્રમિત થઇ ચુકેલા લોકોમાં પણ સેરો પોઝીટીવીટી (Sero Survey) માત્ર 60.08 ટકા નોંધાઇ છે. ( પોઝીટીવ કેસ હોય તેવા 1816 સેમ્પલમાંથી 1091 કેસમાં સિરો-પોઝીટીવીટી જણાઇ છે ) આનો અર્થ એ થાય છે કે, તાજેતરમાં સંક્રમિત થયેલા લોકો પૈકી લગભગ 40 ટકા લોકોમાં સિરો – પોઝીટીવીટીનો અભાવ જણાયો છે.

પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના 3973 સેમ્પલ પૈકી 1268 સેમ્પલ એટલે કે 31.92 ટકા સિરો – પોઝીટીવીટી જણાઇ છે. આ બાબત એ દર્શાવે છે કે, પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોમાં પણ 69 ટકા લોકોમાં સિરો-પોઝીટીવીટીનો અભાવ છે.

કયા ઝોનમાં કેટલા ટકા પોઝીટીવીટી

ઝોન

કેટલાં ટકા

 

 

મધ્ય

28.43 ટકાથી 31.64 ટકા

ઉત્તર

27.41 ટકાથી 33.14 ટકા

પૂર્વ

23.22 ટકાથી 23.96 ટકા

દક્ષિણ

16.15 ટકાથી 23.91 ટકા

દક્ષિણ પશ્ચિમ ઝોન

13.43 ટકાથી 18.93 ટકા

પશ્ચિમ ઝોન

10.5 ટકાથી 20.84 ટકા

ઉત્તર પશ્ચિમ ઝોન

6.43 ટકામાંથી 11.74 ટકા

ઝોન દીઠ સિરો-પોઝીટીવીટી 11.74 ટકાથી 33.14 ટકા વચ્ચે રહે છે. ઉત્તર ઝોનમાં 33.14 ટકા સાથે મહત્તમ સિરો- પોઝીટીવીટી ધરાવે છે. તેના પછી મધ્ય ઝોનમાં 31.64 ટકા, પૂર્વમાં 23.96 ટકા, દક્ષિણ ઝોનમાં 23.91 ટકા, પશ્ચિમ ઝોનમાં 20.84 ટકા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 18.93 ટકા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11.74 ટકા આવે છે.

જૂન 2020ની સરખામણીએ ઓગસ્ટ 2020ની મધ્યમાં સિરો-પોઝીટીવીટીમાં વધારો નોંધાયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેડિકલ ઓફીસર ડો. ભાવિન સોંલકીએ અભ્યાસના તારણો જણાવતા કહ્યું હતું કે,“અગાઉના અભ્યાસ પછી દોઢ મહિનામાં સિરો -પોઝીટીવીટીમાં માત્ર 5.63 ટકાનો વધારો અને તે પણ અનલોકના સમયગાળામાં થયો છે જે ખૂબ જ ઓછો છે. આ દર્શાવે છે કે, કોર્પોરેશન દ્રારા કોરોના સંક્રમણના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંઓ કારગત નીવડયા છે. લોક સમૂહ પ્રતિરોધકતા ( હર્ડ ઇમ્યુનિટી ) જેવું કાંઇ જણાયું નથી. લોકો હજુ પણ નવા સંક્રમણનો ખતરો ધરાવે જ છે. આપણે આટલી ઓછી પ્રતિરોધકતા ઉપર આધાર રાખી શકીએ નહીં. આથી આપણે કોરોના રસી ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી સંક્રમણથી બચવા માટેના અસરકારક પુરવાર થયેલા પગલાંઓ ઉપર જ નિર્ભર રહેવું જરૂરી છે.ત્યાં સુધી વધારેમાં વધારે લોકો માસ્કનો ઉપયોગ કરે અને સામાજીક અંતર જાળવી રાખે તે જરૂરી છે.”

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, અભ્યાસના પ્રાથમિક પરિણામોએ દર્શાવ્યું છે કે, અગાઉ કોરોનાથી સંક્રમિત થઇ ચૂકેલા લોકો પૈકી લગભગ 40 ટકા લોકોમાં પ્રતિરોધકતાનો અભાવ જણાયો છે.મતલબ કે, તેઓ સૈધ્ધાંતિક રીતે હજુ પણ નવા સંક્રમણનો ખતરો ધરાવે છે.જો કે આ દિશામાં હજુ વધુ વિગતવાર અભ્યાસની જરૂરિયાત છે.

 

(10:14 pm IST)