ગુજરાત
News of Wednesday, 2nd September 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોનો આંક 400ને પાર પહોંચ્યો:15 દૂર કરાયાં : નવા 25 વિસ્તારો ઉમેરાયાં

દક્ષિણ ઝોનમાં ચાર, પૂર્વમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 6 તથા મધ્ય ઝોનમાં એક વિસ્તાર ઉમેરાયો

અમદાવાદ: શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો વધીને 400 પાર પહોંચ્યા છે શહેરમાં 391 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો હતા તેમાંથી આજે 15 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે 25 વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે 391માંથી 15 બાદ કરીએ તો 376 વિસ્તારોમાં અમલી બને. પરંતુ તેની સામે 25 વિસ્તારો ઉમેરાતાં આ આંકડો 401 પર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની બેઠક આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં ઉક્ત બાબતની ચર્ચા વિચારણાંના અંતે 15 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયા હતા.જ્યારે 25 વિસ્તારોને ઉમેર્યા હતા. આ ઉમેરાયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં ચાર, પૂર્વમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 6 તથા મધ્ય ઝોનમાં એક વિસ્તારનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં  ઇસ્કોન આંબલી રોડ પરના ધ નોર્થ સાઇટને પણ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકી દીધો છે.મંગળવારે વસ્ત્રાપુર જીઆઇડીસી ગ્રાઉન્ડમાં આવેલી પી.એસ.પી. કોલોની મૂકી હતી. આજે ધ નોર્થ સાઇટને પણ મૂકી દેવાઇ છે.

આ નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલ તા. 3જીથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરાશે.તેની સાથોસાથ પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.છેલ્લા બે દિવસથી 1300થી વધુ કોરોના કેસો આવી રહ્યા છે.આજે રાજ્યમાં આજે વધુ 1305 કોરોના કેસ નોંધાયા છે.તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા  99,050 પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 12 કોરોના દર્દીના મોત થયા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3048એ પહોંચ્યો છે. અમદાવાદમાં પણ ઉત્તરોત્તર કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.સુરત પછી અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસો નોંધાઇ રહ્યા છે.ગુજરાત સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બુધવારના રોજ અમદાવાદમાં વધુ 169 કોરોના કેસ નોંધાયા છે.

(10:42 pm IST)