ગુજરાત
News of Wednesday, 2nd September 2020

અમદાવાદની લાલગલી પાસે રાત્રે પોલીસ પેટ્રોલીંગ કરતા કર્મચારી સાથે બની ગંભીર ઘટના

પીએસઆઇ મકરાણી ઉપર એક આરોપીએ પિસ્તોલ ઝૂટવી લેવાનો પ્રયાસ કરી અંગુઠા પર બટકુ ભર્યુ : રીક્ષામાં બેઠેલા મુસાફરોને ચેક કરતા ૩ શખ્સો પૈકી એક શખ્સે પીએસઆઇ સામે કર્યું હિન કૃત્ય સાથેના બે શખ્સો નાસી ગયા

અમદાવાદમાં મોડીરાત્રે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રીક્ષા અટકાવીપુછપરછ કરતા એક શખ્સે પીએસઆઇની રીવોલ્વર આંચકી તેમના પર હુમલો કર્યાની ઘટના બહાર આવી છે.

લાલ દરવાજા ભઠિયાર ગલી પાસેની ઘટના

વિગત મુજબ લાલ દરવાજામાં ભઠિયાર ગલીમાં આવેલી ઝમઝમ હોટલ પાસે મંગળવારે 1.45 વાગ્યે મધરાત્રે રિક્ષામાં બેઠેલા ત્રણ યુવકોને પાલીસે ચેક કરતા એક ઇસમની પાસેથી લોખંડની ફેંટ મળી આવી હતી. PSI મકરાણીએ તે યુવકનો હાથ પકડતા આરોપીએ હુમલો કરી તેમની સરકારી પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

પિસ્તોલ બચાવવાના ચક્કરમાં PSI નીચે પડી ગયા હતા. ત્યારે  અન્ય પોલીસ જવાનોએ આરોપીને પકડી રાખ્યો હતો. પણ આરોપીએ પીએસઆઈ મકરાણીના જમણા હાથે બચકું ભરી અંગુઠો કરડી ખાધો હતો.આ સમયે તકનો લાભ લઇ તેના બે સાગરિતો રિક્ષા સાથે ફરાર થઇ ગયા હતા. આરોપીએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો.

રિક્ષામાં બેઠેલા ત્રણમાંથી એક પાસેથી લોખંડની ફેંટ મળી

તપાસમાં જેની પાસેથી લોખંડની ફેંટ મળી આવી હતી. તે યુવકનું નામ અસલમ એહેમદ હસૈન નવહી છે. તે પોરબંદરના દરબાર પાડા છાયાનો રહેવાસી હોવાનું જણાયુ હતું. તેની પાસેથી લોખંડની ફેંટ મળી આવતાં કાર્યવાહી કરવા અસલમને પોલીસ સ્ટેશન લઈ જવા તજવીજ કરાઇ હતી. તે સમયે PSI મકરાણીએ આરોપી અસલમનો હાથ પકડતા આરોપીએ હુમલો કરી બેલ્ટમાં ભરાવેલી તેમની સર્વીસ પિસ્તોલ આંચકી હતી.

PSI મકરાણી પ્રતિકાર કરવા જતાં નીચે પટકાયા

મકરાણી પ્રતિકાર કરવા જતાં નીચે પટકાયા હતા. આરોપીએ તેમના હાથના અંગુઠા પર બચકું ભરી લીધું હતો. પોલીસ કર્મચારીઓએ આરોપીના મોમાંથી અંગુઠો છોડાવવા પ્રયાસ કર્યો પણ સફળ ના થયા દરમિયાન સ્થાનિક લોકો પોલીસની મદદમાં આવ્યા હતા. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરો પણ નીચે પટકાતા આંખ નીચે તેને ઇજા થઇ હતી.

તકનો લાભ લઇ આરોપીના બે સાગરિત ભાગી ગયા

પોલીસ સ્ટેશનમાં લાવ્યા પણ આરોપી અસલમ પોલીસ સાથે મારમારી કરતો હતો. બનાવ અંગે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. અસ્લામના અન્ય બે સાગરીતો સ્થળ પરથી રીક્ષા લઈ ભાગી ગયા હતા.

(10:50 pm IST)