ગુજરાત
News of Friday, 2nd October 2020

અમદાવાદમાં ટ્રેનોના મુસાફરોના ટેસ્ટિંગમાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ મળ્યા

ગોરખપુર ટ્રેનમાં ત્રણ કેસ, રાજધાની તથા મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં બબ્બે કેસો મળ્યા

અમદાવાદ: આજે અમદાવાદ  આવેલી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં 7 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા બુધવારે ગોરખપુર ટ્રેનમાં એક પણ કેસ ના હતી. તેમાં આજે અન્ય બે ટ્રેનો કરતાં વધુ ત્રણ કેસો નીકળ્યા છે. જયારે રાજધાની તથા મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં બબ્બે કેસો મળ્યા હતા. અત્યારસુધી થયેલા ટેસ્ટિંગમાં આજે પહેલીવાર રાજધાની એક્સપ્રેસને કેસો મળવાની સંખ્યામાં પાછળ પાડી દીધી છે. આજે 1382 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 7 કેસો મળી આવ્યા હતા. આ 7 કેસો પૈકીના માત્ર 2 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 5 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો.

કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 630 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 2 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 382 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 પોઝિટિવ કેસો મળ્યા હતા. જયારે મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 370 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1382 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 7 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(11:06 pm IST)