ગુજરાત
News of Friday, 2nd October 2020

ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ તામિલ ભાષાના વિદ્યાર્થીઓની ગાંધીગીરી : DEOને ગુલાબનું ફૂલ આપીને શાળા શરૂ કરવાની માંગણી દોહરાવી

છેલ્લા બે સપ્તાહથી લડત,શાળા ચાલુ રાખવા ખર્ચ ઉઠાવવાની તૈયારી અને તામિલનાડુના સીએમની વિનંતી છતાં પરિણામ નહિ આવતા વાલીઓ વિદ્યાર્થીઓમાં નિરાશા

અમદાવાદ: રાજ્યની એક માત્ર તામિલશાળા બંધ કરી દેવાતા શાળાના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ ગાંધીગીરીનો સહારો લીધો. તામિલ શાળાના વિદ્યાર્થીઓએ વસ્ત્રાપુરમાં બહુમાળી ભવનમાં  જિલ્લાશિક્ષણાધિકારી (DEO)ને આવેદનપત્ર આપીને ગુલાબનું ફૂલ આપ્યું હતું. સાથે બંધ શાળા ફરી શરુ કરવાની માગ દોહરાવી છે.

અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ખોખરા વિસ્તારમાં આવેલી તામિલ શાળા બંધ કરી દેવાના જિલ્લા શિક્ષણાધિકારીના હુક્મ સામે વિદ્યાર્થીઓએ છેલ્લાં બે સપ્તાહથી લડત ચલાવી રહ્યાં છે. આ શાળા ચાલુ રાખવા તથા તેનો ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવતો તામિલનાડુના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવા છતાં હજુ સુધી કોઇ જ સકારાત્મક પરિણામ આવ્યું નથી. જેથી વાલીઓ વિદ્યાર્થીઓમાં નિરાશા છે.

ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી એક માત્ર તામિલ શાળાને બંધ કરવા અંગેના શહેર જિલ્લાશિક્ષણાધિકારીએ હુક્મ કર્યો છે. આ હુક્મને લઇને વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓએ શાળા ચાલુ રાખવા માટેની માંગણી સાથે લડત શરૂ કરી હતી. તેના ભાગરુપે સ્કૂલ ઓફ કમિશનર સુધી રજૂઆત કરી હતી. ત્યાં સુધી કે અમદાવાદ જિલ્લા કલેકટરને ઇચ્છા મુત્યુ માટે અરજી કરી હતી

(11:11 pm IST)