ગુજરાત
News of Friday, 2nd October 2020

અમદાવાદ : 25% સ્કૂલ ફી માફી મામલામાં નવો વળાંક : ખાનગી સ્કૂલ સંચાલકોએ નવી શરત મૂકી

જૂન 2020થી માર્ચ 2021 સુધીના વર્ષમાં પ્રથમ સત્રની ફી 31 ઓક્ટોબર સુધીમાં ભરે તો જ 25 ટકા રાહત મળશે

અમદાવાદ: રાજ્ય સરકારે સ્કૂલ ફી ભરવા માટે 25 ટકા માફીની જાહેરાતને હજુ ગણતરીના કલાકો જ વિત્યા છે ત્યાં આ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. સરકારે આખા વર્ષ માટે વાલીઓને ફી માફી માટે 25 ટકાની રાહત આપી છે. પરંતુ, હવે તેમાં રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે હવે એક થઇ શરતી ઠરાવ કર્યો છે અને વાલીઓ જૂન 2020થી માર્ચ 2021 સુધીના વર્ષમાં પ્રથમ સત્રની ફી 31 ઓક્ટોબર સુધીમાં ભરે તો જ 25 ટકા રાહત આપવી.

 

હવે શાળા સંચાલકોના આ ઠરાવથી ફી મામલામાં નવો વિવાદ આપે તેવા સમીકરણો સર્જાયા છે. કોરોનાના કેસ સામે આવ્યા બાદ લોકડાઉનના કારણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ થયું, ત્યારથી ફીનો મુદ્દો વધુ પેચીદો બન્યો છે. અને ફી માફી માટે વાલીઓએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે સરકારે સામે બાંયો ચઢાવી. વાલી મંડળે હાઇકોર્ટનો સહારો લીધો, અને આખરે ફીનો મામલો ઉકેલવા ફીનું ધોરણ નક્કી કરવાનો મુદ્દો સરકાર પર છોડ્યો. જે મામલે આખરે રાજ્ય સરકારે કેબીનેટની બેઠકમાં સમગ્ર વર્ષ માટે 25 ટકા ફી ભરવામાં રાહત આપી.
        જોકે સરકારની જાહેરાતને હજુ અમુક કલાકો જ વિત્યા છે ત્યાં હવે શાળાના સંચાલકો એક થયા છે. રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડલે એકઠા થઇ એક ઠરાવ કર્યો છે. જેમાં એક શરત મુકવામાં આવી છે. આ ઠરાવમાં જણાવાયું છે કે, કોવિડ 19ની આ પરિસ્થિતિમાં વાલીઓને મદદ કરવાનું સ્વનિર્ભર શાળાઓ માટે તદ્દન અશક્ય હોવા છતાં જૂન 2020થી માર્ચ 2021 સુધીના શૈક્ષણિક વર્ષ માટે 31 ઓક્ટોબર સુધીમાં જૂનથી ઓક્ટોબર સુધીની ફી ભરે તો 25 ટકા ફી રાહત આપવાનું ઠરાવવામાં આવે છે. જે વાલીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી નહિ ભરે તેમને ફીમાં રાહત નહિ મળે

(11:29 pm IST)