ગુજરાત
News of Friday, 2nd October 2020

બારડોલી ભાજપને મોટો ફટકો :તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમણભાઈ હળપતિની કૉંગ્રેસમાં વાપસી

પૂર્વ સાંસદ તુષાર ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં વિધિવત કોંગ્રેસમાં જોડાયા

બારડોલી તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રમણભાઈ હળપતિ (કડોદ)એ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપાને મોટો ફટકો પડયો છે.

મૂળ કોંગ્રેસી એવા રમણભાઈ હળપતિ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સાથે જોડાયને તાલુકા પંચાયતની કડોદ બેઠક પરથી ચૂંટણી જીતી 2015માં પહેલા અઢી વર્ષ માટે પ્રમુખ પદે રહ્યાં બાદ બીજા અઢી વર્ષ માટે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી તેઓ હાલ આ હોદ્દા પર છે. કડોદ વિસ્તારમાં તેમની સારી એવી શાખ રહેલી છે ત્યારે માજી સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે સામી ચૂંટણીએ જ ભાજપને કડોદ વિસ્તારમાં એક મોટો ફટકો પડયો છે. રમણભાઈ હળપતિના ફરીથી કોંગ્રેસમાં જોડાવાને કારણે સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થવાની સંભાવના છે.

(12:19 am IST)