ગુજરાત
News of Friday, 2nd October 2020

ગાંધીજીના વિચારો વિશ્વ કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ : વિજયભાઇ રૂપાણી

પોરબંદર કિર્તીમંદિરે ગાંધી જયંતિએ સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી ભાવાંજલિ અર્પી : જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને હેન્ડ વોશિંગ દિનની ઉજવણી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૨ : ગાંધી જયંતિએ કિર્તીમંદિરે આજે સવારે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાઇને પૂ. ગાંધીજીને ભાવાંજલિ અર્પીને સંબોધનમાં જણાવેલ કે, વર્તમાન સમયમાં ગાંધી વિચારો વિશ્વના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ છે.

મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવેલ કે, વિશ્વભરના લોકો ગાંધીજીના સદાચાર - અહિંસા અને સત્ય વિચારો જાણવા ઉત્સુક છે. ગાંધી વિચારોનો વ્યાપ વધે અને તેનું કેન્દ્ર ગાંધીજીનું ગુજરાત બને તેવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરીએ. ગાંધીજીના વિચારો સાથે રાષ્ટ્ર નિર્માણ થાય તો દેશ શકિતશાળી બને રઘુપતિ રાજા રામ... ભજન ગાંધીજીનું પ્રિય ભજન અને પ્રજાભિમુખ રામ રાજ્ય એ ગાંધીજીની કલ્પના હતી.

મુખ્યમંત્રી વિજયભાઇએ વીડિયો કોન્ફરન્સથી જણાવેલ કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીની કલ્પના મુજબ ભારતનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે. ખાદીને પ્રોત્સાહન સ્વચ્છતા, આત્મનિર્ભરએ ગાંધીજીના વિચારોનો ભાગ છે. મોહન ચરખાધારીએ સ્વદેશીનું પ્રતીક છે. ગાંધીજીએ આધ્યાત્મિકતા ઉપર ભાર મુકયો હતો. ગાંધીજીના વિચારોમાં સમસ્યાનો ઉકેલ છે. ગાંધીજીના સ્વરાજ, રામરાજ્યની કલ્પનાના ભારત અંગેના વિચારોને સાકાર કરવા આપણે આગળ વધીએ તે સાચી શ્રધ્ધાંજલિ છે.

કિર્તીમંદિરે સર્વધર્મ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ડીઝીટલ માધ્યમથી ઓનલાઇન ઉપસ્થિત રહેલ અને સાથે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર સહિતના મર્યાદિત સંખ્યામાં મહેમાનો રૂબરૂ ઉપસ્થિત રહેલ. ત્યારબાદ તાજાવાલા હોલ ખાતે નલ સે જલ કાર્યક્રમ તથા બીરલ હોલ ખાતે જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તથા ૨જી ઓકટોબર - સ્વચ્છતા દિનની હેન્ડ વોશીંગ ડે તરીકે ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મત્સ્યોદ્યોગ તથા પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા.

(11:27 am IST)