ગુજરાત
News of Friday, 2nd October 2020

૧૦૧ દિવસ બાદ કોરોનાને હરાવનારા ભરતસિંહ સોલંકીને પીએમ મોદીએ ફોન કરીને પૂછયા ખબર અંતર

ભરતસિંહે જણાવ્યું કે, હું પણ પહેલા ઓવરકોન્ફિડન્સમાં ફરતો હતોઃ મને એવું હતું કે મારી ઈમ્યુનિટી સારી છે તો મને કયારેય કોરોના નહીં થાય.

નવી દિલ્હી,તા. ૨: ભરતસિંહ સોલંકીએ કોરોના સામે ૧૦૧ દિવસ લડત આપી એશિયાના સૌથી લાંબી સારવાર લેનાર વ્યકિત બન્યા છે. ૧૦૧ દિવસ બાદ આજ રોજ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભરતસિંહને રજા મળતા જ તેમના શુભચિંતકો તેમના ખબરઅંતર પૂછી રહ્યા છે. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ફોન કરીને ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાતચિત કરી તેમના ખબર અંતર જાણ્યા હતા. તેમજ તેઓ જલદી સાજા થઈને લોકો વચ્ચે કાર્ય કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આજ રોજ ડિસ્ચાર્જ પહેલા ભરતસિંહ સોલંકીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તેમાં તેમણે કોરોનાથી શરીરમાં કેવા કોમ્પ્લિકેશન્સ થાય છે અને સારવાર દરમિયાન કેટલા ઉતાર-ચઢાવ આવ્યા તેના અનુભવો શેર કર્યા હતા. ભરતસિંહે જણાવ્યું કે સારવાર દરમિયાન શરીરમાં કેટલાય કોમ્પ્લિકેશન્સ આવ્યા પરંતુ ડોકટરોએ હિંમત આપી અને મને સ્વસ્થ કર્યો. હું ઉભો પણ થઈ શકતો નહોતો પરંતુ ફિઝિયોથેરાપીથી હું સીડીઓ ચઢતો થયો.

ભરતસિંહે જણાવ્યું કે, હું પણ પહેલા ઓવરકોન્ફિડન્સમાં ફરતો હતો, મને એવું હતું કે મારી ઈમ્યુનિટી સારી છે તો મને કયારેય કોરોના નહીં થાય. એમ સમજીને બહાર નીકળતો અને એક દિવસ ટેમ્પરેચર વધ્યું અને ટેસ્ટ કરાવતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. લોકોને પ્રાર્થના છે કે, અત્યાર સુધી કોરોનાને અટકાવવા માટે કોઈ દવા નથી તેવામાં લોકોએ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ.

(11:29 am IST)