ગુજરાત
News of Friday, 2nd October 2020

ગુજરાતમાં ૩૫ લાખ ટન મગફળીનો અંદાજ

૨૦૧૯માં થયેલા ૩૨ લાખ ટન કરતાં ૧૦ ટકા વધુ

નવી દિલ્હી, તા.૨: આ ખરીફ સીઝનમાં ગુજરાતમાં આશરે ૩૫ લાખ ટન મગફળીનો પાક થવાની અપેક્ષા છે, જે ૨૦૧૯માં નોંધાયેલા ૩૨ લાખ ટન ઉત્પાદનના ૧૦ ટકા કરતાં વધુ છે, આ વાત સોલ્વન્ટ એકસટ્રેકટર્સ અસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) દ્વારા હાથ ધરાયેલા ખરીફ પાક સર્વે ૨૦૨૦માં સામે આવી છે.

ઉત્પાદન જો કે, બજારના સહભાગીઓની અગાઉની અપેક્ષા કરતાં ઓછું છે, કારણ કે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદ પડતાં ઊપજને થોડું નુકસાન પહોંચ્યું છે.

મગફળીના વાવેતરમાં ભારે ઉછાળો જોતા શરુઆતમાં ઉત્પાદન વધીને ૪૦થી ૪૨ લાખ ટન થવાનો અંદાજ હતો. વરસાદની અસર ઊપજ પર પડી હોવા છતાં, ૩૫ લાખ ટનનું અંદાજીત ઉત્પાદન પણ ગુજરાત માટે અત્યારસુધીમાં સૌથી વધારે છે.

વધુ ખેડૂતો મગફળીના પાકની પસંદગી કરી રહ્યા હોવાથી, રાજયમાં મગફળીના વાવેતરનો વિસ્તાર ૨૦૨૦માં ૩૩ ટકાથી વધીને ૨૧ લાખ હેકટર થયો છે, જેનાથી ઉત્પાદન વધુ થશે તેવી આશા છે.

'ક્ષેત્રમાં ભલે ૩૩ ટકાનો વધારો થયો હોય પરંતુ મુખ્યત્વે અતિશય વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ઊપજમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે', તેમ SEAએ જણાવ્યું હતું.

મગફળી પાકના સર્વે મુજબ ગુજરાતમાં આ વર્ષે એકંદરે ઉત્પાદન પ્રતિ હેકટરે ૧,૭૧૫ કિલો જેટલું ઘટી જશે, જે ગયા વર્ષે ૨,૦૭૦ પ્રતિ કિલો હેકટર હતું.

મગફળીના વાવેતરનો વિસ્તાર ગત ખરીફ સીઝનના લગભગ ૧૩ લાખ હેકટરથી વધીને ભલે ૧૬ લાખ હેકટર થયો હોય પરંતુ પાક ગયા વર્ષની સરખામણીમાં વધારે અથવા ઓછો જેટલો થવાની શકયતા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ સામાન્ય સરેરાશની સરખામણીમાં બમણાથી વધુ રહ્યો હતો. સર્વેમાં સૌરાષ્ટ્રમાં ઉત્પાદન ૨૬ લાખ ટનથી વધુ આંકવામાં આવ્યું છે.

વિસ્તારના વધારાની સાથે-સાથે સામાન્ય વરસાદના કારણે, મગફળીની ઊપજમાં વર્ષ ૨૦૧૯માં ૧,૮૭૦ કિગ્રા/ હેકટરથી વધીને ૨૦૨૦માં પ્રતિ હેકટરે ૨,૧૪૦ કિલો જેટલો નોંધપાત્ર સુધારો થવાનું અનુમાન છે.

(11:31 am IST)