ગુજરાત
News of Friday, 2nd October 2020

કેદીઓને રેડીયો જોકી, બ્રોડ કાસ્ટીંગની તાલીમનો શુભારંભ

લાપરવાહી માટે જેલ સ્ટાફના કસુરવાનોને ઘર ભેગા કરનાર જેલ વડાની બીજી આંખમાંથી કરૂણા પણ વરસી રહી છે : 'ગુડ મોર્નીગ ગુજરાત' ભવિષ્યમાં ખુંખાર કેદીઓના મધુર અવાજના સંબોધન સાંભળો તો નવાઇ ન પામતાઃ રેડીયો કાર્યક્રમો દ્વારા મનોરંજન-કેદી કલ્યાણ યોજનાઓ તથા સરકારની વિવિધ લાભદાયી યોજનાઓથી કેદીઓ વાકેફ થઇ ભવિષ્યમાં રેડીયો જોકી અને કાર્યક્રમ પ્રસારણની સેવામાં જોડાઇ શકે તે માટે ગુજરાતમાં સૌ પ્રથમ પૂ.મહાત્મા ગાંધીજીને જયાં કેદ કરાયા હતા તેવી સાબરમતી મધ્યસ્થ જેલથી શુભારંભઃ અકિલા સાથેની વાતચીતમાં રાજયના જેલ વડા ડો. કે.એલ.એન. રાવે સમગ્ર ડિઝાઇનની રસપ્રદ છણાવટ કરી

રાજકોટ, તા., ૨: ગોંડલ જેલમાં જેલ કેદીઓ દ્વારા ચોક્કસ સ્ટાફની મદદથી જમાવાતી મહેફીલ સામે અમદાવાદના મુખ્ય જેલ મથકના ઝડતી ચેકીંગ સ્ટાફને મોકલી કાર્યવાહી કરવા સાથે કસુરવાનો સામે આકરા પગલા લેનારા ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા કડકાઇની સાથોસાથ જેલમાં રહી પ્રાયશ્ચિત કરી પોતાનું જીવન સુધારવા માંગતા કેદીઓ માટે લેવાઇ રહેલા  એક પછી એક આવકારદાયક પગલામાં વધુ એકનો ઉમેરો થયો છે. જેલ કેદીઓને રેડીયો જોકી બનાવવા સાથે બ્રોડકાસ્ટ એનાઉન્સમેન્ટ  ટ્રેનીંગનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.

ઉકત બાબતે રાજયના જેલ વડા ડો. કે.એલ.એન. રાવે જણાવેલ કે જેલ કેદીઓ  જેલની કાળમીંઢ દિવાલો વચ્ચે રહી મનોરંજનની સાથોસાથ સરકાર દ્વારા લોક કલ્યાણની યોજનાઓ અને  તેનો લાભ કઇ રીતે લઇ શકાય તેનાથી માહીતગાર રહે તે માટે ગુજરાતમાં સૌ પ્રથમ સાબરમતી મધ્યસ્થ જેલથી રેડીયો કાર્યક્રમો શરૂ થશે.

ડો. કે.એલ.એન. રાવે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે આ રેડીયો પ્રોગ્રામોનું તથા બ્રોડકાસ્ટીંગનું સંચાલન ખુદ કેદીઓ દ્વારા જ કરવામાં આવશે. પૂ.મહાત્મા ગાંધીજીના કેદીઓ પ્રત્યેના વિચારો  અને આદર્શો ધ્યાને લઇ આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે. ભવિષ્યમાં સુશિક્ષીત અને ભાષા પર પ્રભુત્વ ધરાવતા કેદીઓ રેડીયો જોકી તરીકે નામના મેળવે તેવા દ્રશ્યો પણ સર્જાય તો નવાઇ નહિ.

ડો. કે.એલ.એન. રાવે જણાવેલ કે કોવીડ-૧૯ની તમામ બાબતો અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું સંપુર્ણપણે પાલન થાય તેની તકેદારી સાથે શરૂ થયેલ આ નવા પ્રયોગમાં કેદીઓને રેડીયો બ્રોડકાસ્ટીંગ અને એનાઉન્સમેન્ટની તાલીમ પણ અપાનાર છે.  રાજયભરની જેલમાં નિયમીત સેનીટેશન, ચકાસણી, આઇસોલેટેડ વોર્ડ તથા નિષ્ણાંત  તબીબોની મદદથી જેલ કેદીઓ તથા પરિવારજનો માટે પણ ખાસ ડીસ્પેન્સરી ઉભી કરવામાં આવી છે.

(11:58 am IST)