ગુજરાત
News of Friday, 2nd October 2020

મોડાસા: યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે શ્રદ્ધાળુઓ કાળીયા ઠાકોરના દર્શન કરવા ઉમટ્યા

મોડાસા:યાત્રાધામ શામળાજી મંદિરમાં અધિક આસો પૂનમનો અનેરો મહિમા હોવાથી જિલ્લાભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટયા હતા.અધિક માસની પૂનમનું સવિશેષ મહત્વ હોવાથી  ભક્તિભાવ પૂર્વક ભક્તો દેશી ભજન મંડળીઓ લઈ ઢોલ મજીરાના તાલે મંદિરે આવી પહોંચ્યા હતા.

શામળીયા ભગવાનના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.આસો પૂનમને લઈ ભગવાન શામળીયાને વિશેષ વાઘા અને સુવર્ણ સોળે શણગાર કરી સજ્જ કરાયા હતા.શામળાજી વિષ્ણુ મંદિરના મેનેજર કનુભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.દર્શનાર્થે આવેલ દરેક શ્રધ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને સરકારની ગાઈડ લાઈનના અમલ સાથે મંદિરમાં પ્રવેશ અપાયો હતો.અધિક માસની પૂનમ હોઈ જિલ્લા ના અન્ય દ્યાર્મિક સ્થળો,મંદિરો ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. જયારે શામળાજી મંદિર ખાતે વિષ્ણુ યજ્ઞાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બ્રાહ્મણો એ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ કરી યજ્ઞામાં જોડાયા હતા.

(5:47 pm IST)