ગુજરાત
News of Friday, 2nd October 2020

ફી મામલે ધાનાણી ઉપવાસ કરે તે પહેલા જ અટકાયત

આખા ગુજરાતમાં કોંગ્રેસના ધારણા કાર્યક્રમ : કોંગ્રેસે બીજી ઓક્ટોબરના રોજ ખેડૂત બિલ અને રાજ્યની ખાનગી શાળામાં ફી માફીની માગણી સાથે ધરણા કર્યા

અમદાવાદ,તા.૨ : કૉંગ્રેસ નેતાઓએ આજે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ ખેડૂત બિલ અને રાજ્યની ખાનગી શાળાઓમાં સંપૂર્ણ સત્ર ફી માફીની માંગણી સાથે ધરણા કર્યા હતા. વિવિધ શહેરમાં કૉંગ્રેસના નેતાઓ તરફથી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ગુજરાત કૉંગ્રેસ અમિત ચાવડા અમદાવાદ અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે ધરણા કર્યા હતા. આ દરમિયાન અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. અમરેલી ખાતે પરેશ ધાનાણીની અટકાયત દરમિયાન ઝપાઝપી થઈ હતી. જેમાં પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીના ગાંધી બાગ ખાતે ખેડૂતો અને ફી મામલે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાને તેઓ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા ત્યારે જ પોલસે તેમની અટકાત કરી લીધી હતી. એક દિવસ પહેલા જ પરેશ ધનાણીએ ટ્વીટ કરીને પ્રતિક ઉપવાસ અંગે જાહેર કરી હતી. અટકાયત દરમિયાન પોલીસ અને ધાનાણી વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

               આ દરમિયાન ધાનાણી સતત પોલીસને એવું પૂછી રહ્યા હતા કે તમે કયા ગુના હેઠળ તેમની અટકાયત કરી રહ્યા છો? ઝપાઝપી દરમિયાન પરેશ ધાનાણીનો શર્ટ પણ ફાટી ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરીને તેમને વાનમાં બેસાડી દીધા હતા. ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં ધરણા શરૂ કર્યાં: ગાંધીબાગ ખાતેથી પરેશ ધાનાણીની અટકાયત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જોકે, અહીં તેમણે જામીન લેવાનો ઇક્નાર કરી દીધો હતો અને તેમણે પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા. ગાંધી બાગ ખાતે પોલીસ તેમની અટકાયત કરવા માટે પહોંચી ત્યારે પરેશ ધાનાણી પોલીસને જણાવ્યું હતું કે, હું અહીં એકલો જ ઉપવાસ પર બેઠો છું. તમે મારી કયા ગુના હેઠળ અટકાયત કરી રહ્યા છો તે જણાવવા વિનંતી. પોલીસે સ્ટેશન ખાતે પરેશ અહીં ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના દોઢ કરોડ વિદ્યાર્થીઓ ભણતર નહીં તો વળતર નહીંનું આંદોલન આગળ ચલાવે તેવી માંગ સાથે ગાંધી જયંતિએ આંદોલનની શરૂઆત કરી હતી. સરકારે ખાનગી શાળા સંચાલકોના ખોળે બેસીને ગુજરાતના દોઢ કરોડ યુવાઓનું ભાવી અંધકારમાં ધકેલવાનું ષડયંત્ર ઘડ્યું છે. હવે અહિંસાના માર્ગે ફી માફીના આંદોલનને અમે આગળ ધપાવીશું. સરકારની સૂચનાને આધારે પોલીસે આ આંદોલનને દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે.

(7:23 pm IST)