ગુજરાત
News of Friday, 2nd October 2020

અમદાવાદ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ માટે સાણંદના બે બહેનોને સન્માનિત કરાશે

અલકાબહેન પટેલને શ્રેષ્ઠ કાર્યકર તરીકે રૂ. ૩૧,૦૦૦/- અને તેડાગર તરીકે હંસાબહેન રહેવરને રૂ. ૨૧,૦૦૦/-નો રોક્ડ પુરસ્કાર સાથે માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે  હંમેશા કટિબદ્ધ છે. અને આ દિશામાં ગુજરાતમાં પરિણામલક્ષી નક્કર પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બને આરોગ્યપ્રદ જીવન જીવે તથા વહીવટી તેમજ નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થાય તે માટે વિવિધ વિભાગોની યોજનાઓમાં મહિલા કલ્યાણને  વિશેષ પ્રાધાન્ય આપવામાં  આવી રહ્યુ  છે. બાળ જન્મથી લઈને જીવનનાં અનેક પડાવ માટે કાર્યરત આંગણવાડીની બહેનો દ્વારા બાળકો, કિશોરીઓ મહિલાઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર, આરોગ્યલક્ષી માર્ગદર્શન આપીને  ગુજરાતની આવતીકાલને ઉજ્જવળ બનાવવાનું ભગીરથ કાર્ય ICDS ના બહેનો કરી રહ્યા છે.

           જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની મુખ્ય ચાવીરુપ ભૂમિકાને યશ આપવો જ રહ્યો. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી માનવીના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સશક્ત નારી તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ-દેશ રોશન’’ના સંકલ્પને ચરિર્તાથ કરવા સુપોષણ અભિયાનની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકજાગ્રુતિના ભાગરૂપે આંગણવાડીની બહેનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. અને જે ઉત્તમ કામગીરી કરે છે તેનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે. રાજય સરકાર દ્વારા ખુબ જ સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આઇસીડીએસમા આંગણવાડી કાર્યકર અને તેડાગર એ કચેરી વચ્ચેની અગત્યની કડી છે. તેઓને પ્રોત્સાહિત કરવા માટે અને ICDS ની સેવાઓની પહોંચને મજબુત કરવા અમદાવાદ સ્થિત ટાગોર હોલ ખાતે ૨ ઓક્ટોબરના રોજ યોજાનાર સમારોહમાં વર્ષ ૨૦૧૮-૧૯ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાશે.
     અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ઉતામ કામગીરી કરનાર સાણંદ તાલુકાની આ વર્ષે પસંદગી કરવામાં આવી છે. જેનાં ધટક -૧ ની આંગણવાડી સંભાળનાર  અલકાબહેન પટેલને શ્રેષ્ઠ કાર્યકર તરીકે રૂ. ૩૧,૦૦૦/- અને તેડાગર તરીકે  હંસાબહેન રહેવરને રૂ. ૨૧,૦૦૦/-નો રોક્ડ પુરસ્કાર સાથે માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે.
     પોતાની કામગીરી પ્રત્યે હરખ વ્યકત કરતા અલકાબહેન કહે છે કે ‘’ અમે બંને બહેનો ૭ વર્ષથી આ આંગણવાડી સાથે જોડાયા છીએ, અને વખતોવખતની માર્ગદર્શિકા અનુસાર અમો અમારી કામગીરી સુપેરે નિભાવીએ છીએ. ગયા વર્ષે નંદઘરમાં ૫૦ બાળકો હતા, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનું પાયાનું ઘડતર કરવાની અમને આ સરસ તક મળી છે. ગામની દરેક કિશોરીઓ, મહિલાઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને તથા બાળકોને પોષણયુકત આહાર સાથે યોગ્ય માર્ગદર્શન મળે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અને સરકાર તરફથી પુરક પોષણ આહાર તરીકે આપવામાં આવતા પ્રીમિક્ષ લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવડાવીને તેની હરિફાઇ પણ રાખવામાં આવે છે.’’ (માહિતી - મનીષા પ્રધાન)

(8:16 pm IST)