ગુજરાત
News of Thursday, 2nd December 2021

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ત્રણ યુવાનોએ વૃદ્ધ પર મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવતા મુખ્ય સૂત્રધાર સહીત અન્ય બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

સુરત: શહેરના સિટીલાઇટ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કારમાં જતા યુવાન અને તેના વયોવૃદ્ધ નાના પર મરચાની ભુકી નાંખી રોકડા રૂ.15.25 લાખની લૂંટ કરનાર ત્રણ પૈકી મુખ્ય સૂત્રધાર સહિત બે ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રોકડા રૂ.4.83 લાખ, સોનાની ચેઇન, વીંટી, બે મોબાઈલ ફોન, લૂંટમાં વપરાયેલું મોપેડ વિગેરે મળી કુલ રૂ.6.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. લૂંટની ટીપ આપનાર માત્ર 12 વર્ષનો ટાબરીયો હોવાનું બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કારમાં જતા 18 વર્ષીય યશ જેઠાનંદ અબુરાની અને તેના વયોવૃદ્ધ નાના 80 વર્ષીય આનંદ લાલચંદ પંજાબી પર મરચાની ભુકી નાંખી રોકડા રૂ.15.25 લાખની લૂંટ કરી ત્રણ અજાણ્યા મોપેડ પર ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ બનાવમાં મહારાષ્ટ્રના અકોલાના તુમસરથી દેવેન્દ્ર ઉર્ફે દેવા ઇશ્વર શર્મા ( ઉ.વ.22, રૂમ નં.3, ત્રીજા માળે, કાઠીયાવાડીના મકાનમાં, હીરાનગર સોસાયટી, ચોર્યાસી ડેરીની બાજુમાં, પરવતગામ, સુરત. મુળ રહે. ઘર નં.14, ગલી નં.5, વિઠ્ઠલનગર, બડી ઉમરી, વિઠ્ઠલ મંદિરની પાસે, કોલા, મહારાષ્ટ્ર ) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂ.4.83 લાખ, રૂ.1,63,431 ની મત્તાની સોનાની ચેઇન અને વીંટી, મોબાઈલ ફોન અને લૂંટમાં વપરાયેલું મોપેડ સુરતના તેના ઘરેથી કબજે કરી કુલ રૂ.6,86,431 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:39 pm IST)