ગુજરાત
News of Friday, 3rd February 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વાપીમાં આર.કે.દેસાઈ ગ્રૃપ ઓફ કોલેજીસના વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કર્યું

વાપી ઉદ્યોગની સાથે-સાથે શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિશીલ બન્યું છે: ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે યુવાશક્તિના વિકાસને અમૃત બજેટમાં પ્રાથમિકતા અપાઈ:વડાપ્રધાનરીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરી રિસર્ચ અને ઈનોવેશન ઉપર વિશેષ ભાર મુક્યો : મુખ્યમંત્રી :મુખ્યમંત્રીના ત્વરિત પ્રજાહિતના નિર્ણયોને કારણે નાગરિકોને મળતી સુવિધામાં વધારો થયો: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, વાપી ઉદ્યોગની સાથે-સાથે શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિશીલ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવું છે. સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ જેવા આયોજનો અને ઉદ્યોગ પ્રોત્સાહક નીતિઓને પરિણામે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે હવે આપણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યા છીએ.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાપીમાં આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરી ઉપસ્થિત જનસમૂહને ઉદબોધન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ભારતના અમૃતકાળનું પહેલું બજેટ રજૂ કરાયું છે. ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે યુવાશક્તિના વિકાસને આ અમૃત બજેટમાં પ્રાથમિકતા અપાઈ છે. યુવાધનને વધુ શિક્ષિત અને તાલીમબદ્ધ કરી યુવા શક્તિના સહારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ આ બજેટમાં સેવવામાં છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે,નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપના કારણે વલસાડ, દાહોદ, બનાસકાંઠા, રાજપીપળા અને ગોધરા સહિત વનબંધુ વિસ્તારોમાં મેડિકલ કોલેજની સ્થાપના થઇ છે. આદિજાતિ સમયુદાયના યુવાનો ડોકટર, એન્જિનિયર અને પાઈલોટ બની રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરવા નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી છે. જેમાં પરંપરાગત શિક્ષણની સાથે સાથે રિસર્ચ અને ઈનોવેશન પર વિશેષ ભાર અપાયો છે. ઇનોવેશન પોલીસી 2.0 અમલથી ગુજરાતના અનેક યુવાનોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ તરફ વાળ્યા છે.
વડાપ્રધાનએ આઝાદીના અમૃતપર્વમાં દેશને નવા સંકલ્પોથી ઉર્જાવાન બનાવ્યો છે. ત્યારે સૌ સાથે મળી વિકસિત ગુજરાતથી શિક્ષિત ભારતની નેમ સાકાર કરી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં જ્ઞાનની જ્યોત સદા પ્રચલિત રાખીએ તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી 
તેમણે સેવાના ભેખધારી રમણભાઈ દેસાઈની જન્મજયંતિએ કોલેજ પરિવારને અભિનંદન આપ્યા અને સંસ્થા વડાપ્રધાનના કાર્યમંત્ર સાથે આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે સંકલ્પબદ્ધ છે તેવો મત વ્યક્ત કર્યો.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના કાર્યકાળમાં દેશભરમાં બેનમૂન વિકાસ થઈ રહ્યો છે. વાપીના નાગરિકોને મળતી સુવિધાઓમાં પણ વધારો થયો છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રજાહિત માટેના નિર્ણયો ત્વરિત લેવાઈ રહ્યા છે. એમના સકારાત્મક અભિગમના કારણે વાપીનો વિકાસ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે, વાપી પાલિકા વિસ્તારમાં રૂ. ૩૦ કરોડના ખર્ચે ગટર બની રહી છે જેથી ક્યાંય પણ પાણી ભરાશે નહી. વાપીમાં જ મામલતદાર ઓફિસની બાજુમાં સબ ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ બની રહી છે. ધરમપુર, પારડી અને ઉમરગામમાં અન્ડર કેબલિંગ ચાલુ રહ્યું છે. જેથી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે. ઉમરસાડીમાં ફ્લોટીંગ જેટ્ટી બની રહી છે. સામાન્ય લોકોના જીવનમાં સુધાર આવે તે માટે મુખ્યમંત્રી સદૈવ તત્પર રહે છે.  
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા દાસ મધુમિતા, વર્ષ 2022માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર ભંડારી પલક, વર્ષ 2021માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર રુચિ માયત્રા અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર તથા સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત એવા ડો. જ્યંતિલાલ બી. બારીશને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પદ્મભૂષણશ્રી અને યુપીએલના ચેરમેન રજ્જુભાઈ શ્રોફનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, સંસ્થાના પ્રેરણાસ્ત્રોત કાંતાબેન રમણભાઈ દેસાઈ, કમલભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, યુપીએલના વાઇસ ચેરમેન શાંદ્રાબેન શ્રોફ,વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, વાપી વીઆઈએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નોટિફાઇડ એરિયા બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલ, ક્રેડાઈના વાપીના અને મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એલ.એન.ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા.

(8:21 pm IST)