ગુજરાત
News of Saturday, 3rd July 2021

સુરતના રંગબેરંગી હીરાનો વિશ્વભરમાં ચળકાટ વધ્યોઃ ૧ વર્ષમાં ૩૭૨ ટકાનો વધારો

કોરોના કાળમાં પણ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે નવી આશા જન્મી : ભારત વિશ્વને ૧૦૦ માંથી ૯૦ હીરા કટિંગ અને પોલિસ કરી આપે છે

સુરત,તા.૩: ભારતમાંથી હવે માત્ર સફેદ હીરા જ નહીં, પરંતુ રંગબેરંગી જેમસ્ટોન્સની માંગ વિશ્વભરમાં વધી છે. યુરોપિયન દેશો અને અમેરિકામાં ભારે માંગ હોવાથી એક વર્ષમાં રંગબેરંગી જેમસ્ટોન્સના એકસપોર્ટમાં ભારે ઉછાળો નોંધાયો છે. ભારતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન અને તે પણ ખાસ કરીને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં રંગબેરંગી જેમસ્ટોન્સની નિકાસમાં ૩૭૨ ટકાનો વધારો નોંધાતા જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે નવી આશા ઉદ્બવી છે.

સમગ્ર વિશ્વમાં ભારતને ડાયમંડના હબ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગનું કામ ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કરવામાં આવે છે. જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ હવે માત્ર સફેદ રંગના હીરા જ નહીં, પરંતુ અનેક રંગોના હીરાની આંતરાષ્ટ્રીય બજારમાં માગ વધી છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી રંગબેરંગી જેમસ્ટોન્સના એકસપોર્ટમાં ૩૭૨ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૨૧માં નિકાસ ૨૮૦.૨૨ કરોડ રૂપિયા નોંધાઈ.

જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં વિશ્વમાં અચાનક જ રંગબેરંગી જેમસ્ટોન્સની માંગ વધી છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતથી ૨૮.૯૮ કરોડ રૂપિયાના કલરફૂલ હીરાની આયાત વિવિધ દેશોએ કરી હતી, પરંતુ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં રંગબેરંગી હીરાની નિકાસમાં અચાનક જ ભારે ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૧માં નિકાસનો આંકડો ૨૮૦.૨૨ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. જે ૩૭૨ ટકાનો વધારો દર્શાવે છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોરના કારણે આ ઉછાળો જોવા મળી રહ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે.

સુરતના એક જવેલર્સએ જણાવ્યું હતું કે, જવેલરીમાં હાલ રંગબેરંગી ડાયમંડની માંગ વધી છે. લોકો સફેદ હીરાની જગ્યાએ હવે રંગબેરંગી હીરાની માંગ કરતા થયા છે. રંગબેરંગી હીરા પ્રાકૃતિક હોય છે અથવા તો સફેદ હીરાને હીટ ટ્રીટમેન્ટથી કલર આપવામાં આવતો હોય છે. સફેદ બાદ હવે ગુલાબી, લાલ, લીલા અને પીળા રંગના હીરા લોકો વધારે પસંદ કરી રહ્યા છે. હીરાનો કલર પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. સર્ટિફાઇડ હીરાની કિંમત વધારે હોય છે. હાલમાં સૌથી વધુ માગ ગુલાબી રંગના હીરાની છે.

(3:06 pm IST)