ગુજરાત
News of Saturday, 3rd July 2021

સુરત પોલીસે ઊંચું ભાડું આપીને કાર વેચી મારવાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપ્યું : 264 કાર બારોબાર વેચી મારી : આરોપી પકડાયો

ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી 200 કાર કબ્જે : અંદાજે 4.50 કરોડની કારો મૂળ માલિકને સોંપવા તજવીજ

સુરત પોલીસે ઊંચું ભાડું આપીને કાર વેચી મારવાનું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બનાવટી કંપની નામે કાર ભાડે મૂકવાનું કહી આરોપી કાર બારોબાર વેચી મારતો હતો. આ રીતે તેણે 264 કાર વેચી મારી હતી. જો કે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ મળ્યા બાદ આ મામલે ગુપ્ત ઓપરેશન કરીને કેતુલ પરમાર નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી 200 કાર કબ્જે કરવામાં આવી છે.

સુરતમાં રહેતો કેતુલ પરમારે કામરેજ ખાતે ટર્નિંગ પોઈન્ટ કોમ્પલેક્ષમાં ઓફિસ ખોલી હતી. અને લોકોને લાલચ આપતો હતો કે ભરૂચના ઝઘડીયામાં ટી.જી.સોલાર કંપનીમાં કાર ભાડે રાખવાનો કોન્ટ્રાક્ટ છે અને તમને દર મહિને 20થી 50 હજાર રૂપિયાના ભાડાની લાલચ આપતો હતો. લાલચમાં આવીને ડિસેમ્બર 20-એપ્રિલ 21 સુધીના 5 મહિનાના ટૂંકા ગાળમાં તેણે સુરત સહિતના આસપાસના વિસ્તારોમાંથી 264 ગાડીઓ મેળવી લીધીહતી

ચાલાક કેતુલે એક-બે મહિના સુધી આ કારમાલિકોને ભાડાના પૈસા પણ આપ્યા હતા. પણ થોડા દિવસો બાદ જ તેણે કામરેજ ખાતેની ઓફિસને તાળું મારીને જતો રહ્યો હતો. પોતાના ભાડાના પૈસા ન મળતાં લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ મળતાં આ મામલે ગુપ્ત ઓપરેશન ચલાવવામાં આવીને કેતુલ પરમારની ધરપકડ કરવામાં આવી હતી.

કેતુલ પટેલે માલિકોને અંધારામાં તેમની જાણ બહાર અમુક માલિકોની ખોટી સહીઓ કરાવી બારોબાર વેચી દીધી હતી તો અમુક કારને ગીરવે મુકી દીધી હતી. પોલીસે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર સહિતના વિસ્તારોમાંથી 200 ગાડીઓ કે જેની અંદાજિત કિંમત 4.50 કરોડ થાય છે તે જપ્ત કરી હતી. અને હવે આ કાર તેમના મૂળ માલિકોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:28 pm IST)