ગુજરાત
News of Sunday, 3rd July 2022

અમેરિકામાં વધુ એક ગુજરાતી સુરતના એમટીબી આર્ટસ કોલેજની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્‍ટન જગદીશ પટેલની ફાયરીંગ કરીને હત્‍યા: રૂમના ભાડા પ્રશ્‍ને માથાકુટ થતા આરોપી ડાર્નેલ બ્રાઉને ગોળી ધરબી દીધી

અમેરિકામાં વારંવાર ગુજરાતીઓની હત્‍યાથી લોકોમાં ફફડાટ

સુરત : અમેરિકામાં અવારનવાર ગુજરાતીઓની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે મૂળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા 69 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટમાં વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ મોટેલમાં આરોપી ડાર્નેલ બ્રાઉન 2 દિવસથી રહેતો હતો. હત્યારો રૂમનું ભાડું ન આપતો હોવાથી બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં આરોપી બ્રાઉને જગદીશ પટેલને માથામાં અને પેટમાં ગોળી મારી દીધી હતી.

જેથી તેમને સારવાર માટે લઇ ગયા પરંતુ તેમનું મોત નીપજ્યું હતુ. જે બાદ તેમના પરિવાર અને મોટેલના સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જગદીશ પટેલનો પરિવાર વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી થયો હતો. તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે. જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે. જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા. તેઓ એમટીબી આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂકયા હતા.

જૂન મહિનામાં પણ અન્ય એક ગુજરાતીની અમેરિકાના વર્જિનિયામાં હત્યા કરવામાં આવી હતી. વર્જિનિયાના ન્યુ પોર્ટમાં આવેલા એક સ્ટોરમાં રાત્રે થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા ગુજરાતીની ઓળખ પ્રેયસ પટેલ (52 વર્ષ) તરીકે કરવામાં આવી હતી. જેઓ આણંદના સોજિત્રાના વતની હતા. તેમની સાથે 35 વર્ષના એડવર્ડ થોમસ નામના એક વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી હતી. પ્રેયસ પટેલની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. આ સ્ટોરમાં કામ કરનારા એક કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેયસ પટેલ તેના માલિક હતા, જ્યારે એડવર્ડ નોકરી કરતો હતો. સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ ઘટનાના દ્રશ્યો ઝડપાયા હતા.

(1:07 pm IST)