ગુજરાત
News of Tuesday, 3rd August 2021

સુરતના બિલ્ડરને લીઝ અપાવવાના બહાને ગાંધીનગરના ઠગો 27 લાખ ચાઉં કરી ગયા

સરથાણા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી

સુરતના બિલ્ડરને લીઝ અપાવવાના બહાને ગાંધીનગરના ઠગોએ 27 લાખ રુપિયાની ઠગાઈ કરી હતી. આ અંગે સરથાણા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિ૨ પાસે શેરી નંબર.3 પંચવટી સોસાયટીમાં રહેતાં હરેશભાઈ વ્રજલાલ રાદડિયા ટેક્સટાઈલ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હરેશ રાદડીયાની મિત્ર રમેશ ખેર મારફતે પંકજભાઈ રણછોડ પટેલ (રહે, ગાંધીનગર જિલ્લાના પટેલ વાસ નિશાળ પાછળ) મુલાકાત થઈ હતી. પંકજ પટેલે પોતાની માલિકની ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રેવન્યુ સર્વે નંબર 15,16,17,18,19 તથા 20 ને લાગુ 5 હેક્ટર વાળી બ્લોક નંબર બીની લીઝ આવેલી છે. આ લીઝ ચોખ્ખી અને ટાઈટલ ક્લીય૨ હોવાનો વિશ્વાસ આપ્યો હતો.

આ લીઝ ગાંધીનગરના અન્ય વ્યક્તિની માલિકીની હતી અને ભરૂચ ઝઘડિયાના ગામના લોકોનો વિરોધ હોવાથી લીઝ પણ બંધ રહેતી હતી. આ તમામ હકીકતો છુપાવી પંકજ પટેલે અન્ય માલિકીની લીઝ પોતાની હોવાનુ કહી બિલ્ડર હરેશ રાદડિયાને વિશ્વાસમાં લઈ 1.35 કરોડનો સોદો કર્યો હતો. દરમિયાન બહાના પેટે હરેશ રાદડિયાએ 37 લાખ રોકડા આપ્યા હતા અને 98.50 લાખના ચેકો લખી આપ્યા હતા.

થોડા દિવસો બાદ હરેશ રાદડિયાને આ લીઝ ગાંધીનગરના કોઈ વણઝારાની માલિકીની છે અને લીઝ ચાલુ કરવાનો ગામના લોકો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમની સાથે પંકજ પટેલે વિશ્વાસઘાત કર્યો હોવાનો અહેસાસ થયો હતો. રૂ. 37 લાખ અને રૂ. 98.50 લાખના ચેકો હરેશ રાદડીયાએ પંકજ પટેલ પાસે પરત માગ્યા હતા. જોકે પંકજ પટેલે રૂપિયા અને ચેકો ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. હરેશ રાદડિયાએ સરથાણા પોલીસ મથકે પંકજ પટેલ વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)