ગુજરાત
News of Thursday, 3rd September 2020

અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા 87 સહીત 169 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

મજૂરો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા ઝારખંડથી આવ્યા હતા.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગની સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે જેમાં બાંધકામ સાઇટના  87 સહિત કુલ 169 પોઝિટિવ કેસો નોંધાયા છે કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતાં મજૂરો જ હતા. આ મજૂરો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા ઝારખંડથી આવ્યા હતા.

મંગળવારે PSP પ્રોજેક્ટ લી. સહિત અન્ય યુનિટોમાંથી 187 કેસો શોધી કાઢયા હતા. ત્યાં વળી આજે પણ વધુ 87 કેસો મળી આવ્યા છે. તેમાંય 62 તો છેલ્લાં બે દિવસથી તો પેલેડિયમ મોલ તથા પીએસપી કોલોનીમાં ચાલતાં ટેસ્ટિંગમાં આજે વધુ મળી આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે  શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી ધી નોર્થ નામની કન્સ્ટ્રકશન સાઇટ ખાતે કામ કરતાં કામદારો મજૂરોની કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કુલ 228માંથી 21 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલ તથા PSP કોલોનીની કન્સ્ટ્રકશન સાઇટ ખાતે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ તેમ જ મધ્યપ્રદેશની આવેલા પરપ્રાંતિય કામદારો/ મજૂરોની ટેસ્ટિંગની કામગીરી દરમિયાન કુલ 341માંથી 62 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

અગાઉ આ બે યુનિટો પૈકી પી.એસ.પી. કોલોનીમાં 750માંથી 125 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા પેલેડિયમ મોલના 175માંથી 30 કોરોના પોઝીટીવ કેસો આવ્યા હતા. આમ સરવાળે આ બે યુનિટોમાંથી અત્યારસુધીમાં કુલ 1266માંથી 217 કોરોના પોઝિટિવ કેસો મળ્યા છે. કોલોનીને તો ચોતરફથી પતરાં મારીને માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકી દેવામાં આવી છે

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ મોટાપાયા પર તમામ ઝોનમાં વિવિધ સ્થળોએ સઘન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.

(10:09 pm IST)