ગુજરાત
News of Thursday, 3rd September 2020

બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાના ષડ્યંત્રનો સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ :1.71 કરોડના કૌભાંડમાં બે નાઇજીરિયન સહિત પાંચની ધરપકડ

મેઇલ આઇડી હેક કરી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બંધ કરાવી કરાયું કૌભાંડ

સુરતઃ લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાના ષડયંત્રનો સુરત  ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે આ પ્રકારના કૌભાંડમાં સુરત પોલીસે બે નાઇજીરિયન સહિત પાંચ જણા નેવિલ શુક્લા, રાકેશ માલવિયા અને ઇબ્રાહિમ કાઝીની ધરપકડ કરી છે.
   સુરત શહેર પોલીસના એડિશનલ સીપી શરદ સિંઘલના જણાવ્યા અનુસાર સુરતની યુનિક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડિટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 રૂપિયા  NEFT અને RTGS થી અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની ફરિયાદ સાઈબર ક્રાઈમમાં નોંધાઈ હતી.

આરોપીઓએ મેઇલ આઇડીથી ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરવા મોબાઈલ કંપનીને ઇ મેઇલ કરી રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરાવી બેંક એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગથી બિહાર , પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશમાં ICICI બેંકમાં 8 અને અન્ય બેંકમાં ત્રણ મળી કુલ 11 એકાઉન્ટોમાં ટુકડે-ટુકડે 1,71,80,012 ટ્રાન્સફર કરાવ્યા હતાં. તપાસમાં એવું સામે આવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટોમાંથી સુરતના વિકાસ મનોજભાઇ સોલંકીના બે એકાઉન્ટોમાં 18,20,000ની રકમ આવી હોવાની હકીકત સામે આવી હતી.
વિકાસ મનોજભાઇ સોલંકીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ન્યુઝ પેપરમાં એમ.કે એન્ટરપ્રાઇઝમાં કામ કરીને મહિને 30,000 થી 35,000 કમાઓની જાહેરાત જોઇ હતી, તે જાહેરાતમાં આપેલ મોબાઇલ નંબરનો સંપર્ક કરતા તેઓએ ICICI બેંકમાં એક બચત ખાતુ તથા એક ચાલુ ખાતુ ખોલાવવાનું કહ્યું હતું. વિકાસે તેણે ICICI બેંકમાં એક બચત ખાતુ તથા ચાલુ ખાતુ ખોલાવ્યુ હતું અને પેપરમાં જાહેરાત આપનાર મોહિત પરમારને મોકલી આપ્યું હતું. વિકાસે ત્યારબાદ મુંબઇ ખાતે જઇ નેવિલ શુક્લા તથા રાકેશ માલવિયા તથા ઇમરાન સાથે મળી એ.ટી.એમ. સેન્ટરમાંથી કેશ વિડ્રોઅલ કરી તે રૂપિયા ઇમરાન લઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું.

 

વિકાસ પાસેથી નેવિલ શુક્લા તથા રાકેશ માલવિયાના મોબાઇલ નંબર મેળવી  રાજકોટથી બંનેની અટકાયત કરવામાં આવી હતી. આ બંનેની પુછપરછ કરતા તેમને મુંબઇ ખાતે રહેતા ઇમરાન ઇબ્રાહીમ કાઝીની સાથે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્યારે ઇમરાન કાઝીની ધરપકડ કરી તો  તેણે પ્રાથમિક પુછપરછમાં કહ્યું હતું કે બે નાઇજીરિયનોને એકાઉન્ટની વિગતો આપતો હતો અને નાઇજીરિયન માણસો તે એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા તે રૂપિયા નેવિલ શુક્લા તથા રાકેશ માલવિયા પાસે વિડ્રોઅલ કરાવી નાઇજીરિયનને પહોંચાડવાનું કામ કરતાં હતાં. પોલીસે નાઇજીરિયન આરોપીઓને પકડવા છટકું ગોઠવીને રફેલ અડેડયો હીન્કા અને કેલ્વીન ફેબીયાન ઓઝોખેચીની અટકાયત કરી હતી.

 

આકરી પૂછપરછ બાદ નેવિલ અશોકભાઇ શુક્લાએ જણાવ્યું હતું કે તેને 5 ટકા કમિશન અને એકાઉન્ટ હોલ્ડર્સના 2 ટકા એમ સાત ટકા કમિશન મળતું હતું. જ્યારે રાકેશ પરબતભાઈ માલવિયા મુંબઈ ખાતે એકાઉન્ટ હોલ્ડર્સને આવવા જવાની , રહેવાની , જમવાની , બેંક સુધી કે એટીએમ સુધી એકાઉન્ટ હોલ્ડરને લાવવા લઈ જવા માટે ગાડીની સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો. તેને એક ટકા કમિશન મળતું હતું. ઇમરાન ઇબ્રાહીમ કાઝી છેલ્લા આઠેક વર્ષથી મુંબઈમાં રહેતા નાઇજીરિયનો સાથે સંપર્કમાં રહી અલગ અલગ એજન્ટો પાસેથી લીધેલી એકાઉન્ટની માહિતી પુરી પાડી તે એકાઉન્ટમાં પેમેન્ટ કરાવડાવી અલગ અલગ નાઇજેરિયન એજન્ટને આખા દિવસનું અલગ અલગ એકાઉન્ટમાંથી ઉપાડેલ રકમનું પેમેન્ટ ચૂકવવાનું કામ કરતો હતો. તેને 10 ટકા કમિશન મળતું હતું . ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

(9:51 pm IST)