ગુજરાત
News of Thursday, 3rd September 2020

પશ્ચિમ રેલવે સુરતના સિનિયર સેક્શન એન્જીનીયરને પાંચ હજારની લાંચ લેતા સીબીઆઈએ ઝડપી લીધો

વરાછામાં તેની ઓફિસ-રહેણાકમાંથી 10 લાખની રોકડ કબજે :અમદાવાદમાં કોર્ટમાં રજુ કરી 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મેળવ્યા

અમદાવાદ : કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ પશ્ચિમા રેલવે સુરતના સીનિયર સેક્શન એન્જીનિયરને 5000ની લાંચ લેતા રંગહાથ ઝડપી લઇ તેના ઠેકાણા પર દરોડા પાડી 10 લાખની રોકડ રકમ અને કેટલાક દસ્તાવેજો કબજે લીધા હતા. સીબીઆઇએ અમદાવાદમાં કોર્ટમાં તેને રજુ કરી 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મેળવ્યા છે.

આરોપી SSE કિરિટકુમાર બિંડ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. કિરિટકુમાર સામે આરોપ હતો કે તેણે રેલવે પરિસરમાં પડી રહેતા ભંગારનો સામાન ઉપાડવા માટે 10,000ની લાંચ માગી હતી. આ સામાન ફરિયાદીએ એક હરાજીમાં ખરીધ્યુ હતું. ત્યારબાદ સીબીઆઇએ છટકુ ગોઠવી કિરિટકુમારને ફરિયાદી પાસેથી 5,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. તેની ધરપકડ કર્યા બાદ સીબીઆઇએ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના જ્યુડિશિયલ રિમાંડ મેળવ્યા હતા.

સીબીઆઇ હવે કિરિટની રિમાંડ પર સઘન પુછપરછ કરશે. તેણ અગાઉ કેટલા લોકો પાસેથી આવી રીતે લાંચ લીધી હતી. તેનો તાળો મેળશે. જો કે અત્યારે તપાસ પ્રથામિક તબક્કામાં હોઇ કંઇ કહેવું વહેલાસરનું ગણાશે. જ્યારે ફરિયાદી પાસેથી પણ વધુ વિગતો મળી શકે તેવી અપેક્ષા રખાઇ રહી છે.

કિરિટકુમારની ધરપકડ બાદ તેના વરાછા, સુરતની ઓફિસ અને રહેણાકમાં દરોડા પાડી સર્ચ હાથ ધરી હતી. જેમાં 10 લાખ રુપિયાની રોકડ અને કેટલાક ગુનો પુરવાર કરતા દસ્તાવેજો કબજે કર્યા હતા.

(11:38 pm IST)