ગુજરાત
News of Thursday, 3rd September 2020

અમદાવાદના ઘોડાસરમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને વેપારીને બેહોશ બનાવી લૂંટ કરીને ગઠિયાઓ ફરાર

નશીલો પદાર્થ સુંઘાડી બેહોશ કર્યા બાદ વેપારીના દાગીના અને ઘડિયાળ લૂંટી લીધા

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થ સુંઘાડી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થયાની ઘટના ઘોડાસર વિસ્તારમાં બની છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ 75 વર્ષીય વૃધ્ધ વેપારીને ગાદલાનો ભાવ પૂછવાના બહાને નશીલો પદાર્થ સુંઘાડી બેહોશ કર્યા હતા. બાદમાં વેપારીના દાગીના અને ઘડિયાળ લઈ ફરાર થઈ ગયા હતા.

ઘોડાસર વિસ્તારમાં નિગમ બગલો ખાતે રહેતાં દયાલદાસ ખુશાલદાસ ફીફાણી (ઉં,75) આજ વિસ્તારમાં બચુરામ આશ્રમની બાજુમાં આવેલ સૂર્યકીરણ કોમ્પ્લેક્સમાં ગાયત્રી કૃપા ફોમના નામે ડનલોપના ગાદલાનો વેપાર કરે છે

ગત તા.19 ઓગસ્ટના રોજ દયાલદાસ સવારે 9 વાગ્યે દુકાને પહોંચ્યા હતા. સવારે 9.30 વાગ્યે તેમની દુકાને બે શખ્સ આવ્યા હતા.જેમાં એક શખ્સ બહાર ઉભો રહ્યો તેમજ માથે સફેદ ટોપી, સફેદ શર્ટ અને પીળું પેન્ટ પહેરેલો શખ્સ દુકાનમાં આવ્યો હતો.તે વ્યક્તિએ ડનલોપના ગાદલાનો ભાવ પૂછતાં દયાલદાસે રૂ. 2250નો ભાવ કીધો હતો.

ભાવ પૂછનાર વ્યક્તિએ જણાવ્યું કે, આ ગાદલું મારે દાનમાં આપવાનું છે, તો હું મારા ગુરુજીને બોલાવી તેમને બતાવી હું લઈ જઈશ.બાદમાં આ શખ્સે દયાલદાસને રૂ.1100 રોકડા બાના પેટે આપ્યા અને તેમની સાથે વાતો કરવા લાગ્યો હતો.

આ વ્યક્તિએ વાતો વાતોમાં દયાલદાસને નશાયુક્ત પદાર્થ સુંઘાડતા તેઓ બેહોશ થઈ ગયા હતા.બાદમાં આરોપીઓએ તેમના હાથની આંગળીમાંથી રૂ.22 હજારની સોનાની વીંટી અને હાથમાં પહેરેલી દુબઈની કેશિયો કંપનીની રૂ.1500ની ઘડિયાળ કાઢી લીધી અને ફરાર થઈ ગયા

દયાલદાસ હોશમાં આવ્યા તો સોનાની વીંટી અને ઘડિયાળ હાથમાંથી ગાયબ હતા,જ્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા.દયાલદાસએ તેમના પુત્રને બનાવની જાણ કરી દુકાને બોલાવ્યા હતા.

સામાજીક કામમાં રોકાયા દયાલદાસ સહિતના લોકો રોકાયા હોવાથી ઘટનાની ફરિયાદ 12 દિવસ બાદ મંગળવારે રાત્રે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

(11:39 pm IST)