ગુજરાત
News of Thursday, 3rd September 2020

અંબાજી મંદિરે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ સંપન્ન : ભાદરવી પૂનમે ૩૨.૧૦ લાખ લોકોએ ઓનલાઇન દર્શન કર્યા

પાલનપુર,તા. ૩: સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ મહોત્સવમાં સાતમાં અને અંતિમ દિવસે બુધવારે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતી થયેલ. બનાસકાંઠાના કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાંગલે, એડી. કલેકટર સુધેન્દ્રસિંહ ચાવડાએ મંદિરના શીખર ઉપર ધ્વજારોહણ કરી મહાયજ્ઞને વિરામ આપેલ.

મહાયજ્ઞના અંતિમ દિવસે સવારે ૯ વાગે દેવપૂજન, બપોરે ૧૨.૩૪ કલાકે અભિજીત મુર્હતમાં ધ્વજારોહણ, મુખ્ય હોમમાં મા અંબાના પ્રીત્યર્થ ૧ હજાર ચંડી પાઠના ૧૦૦ પાઠના દશાંશ હોમ, સાંજે ૪: ૩૦ વાગ્યે મહાયજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજ ૫ વાગ્યે મહાઆરતી કરવામાં આવેલ. બુધવાર સાંજ સુધીમાં લગભગ ૩૨.૧૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઓનલાઇન દર્શનનો ઘરબેઠા લાભ લીધેલ.

(12:49 pm IST)