ગુજરાત
News of Thursday, 3rd September 2020

રાજ્યમાં અનોખો વિરોધ:ખેતરોમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા યોજાઈ : વિજેતા તરવૈયાને ઈનામ તરીકે લૉલીપૉપ

કલ્યાણપુર તાલુકાનો જામરાવલ વિસ્તાર 8 વખત ટાપૂમાં ફેરવાયો : તંત્ર ઉદાસીન રહેતા નવતર વિરોધ કાર્યક્રમ યોજાયો

જામનગર:મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને કચ્છને ઘમરોળી નાંખ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાનો જામરાવલ વિસ્તાર 8 વખત ટાપૂમાં ફેરવાઈ ચૂક્યો છે.ગામડા સહિત ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. એવામાં કિસાન કોંગ્રેસ તરફથી ખેડૂતોની સમસ્યા અને ગ્રામજનોને પડી રહેલી હાલાકી પ્રત્યે સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા તરફથી જામરાવલ ગામના ખેતરોમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના વિરોધના ભાગરૂપે આયોજીત આ સ્પર્ધામાં 10થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આટલું જ નહી, વિજેતા થનારા તરવૈયાને ઈનામ તરીકે લૉલીપૉપ આપવામાં આવી હતી.

આ અંગે પાલ આંબલિયાનું કહેવું હતું કે, ભલે કલ્યાણપુર તાલુકાના જામરાવલ વિસ્તારમાં અવિરત વરસાદને પગલે એવી સ્થિતિ સર્જાયી હોય, પરંતુ આ માટે માત્ર કુદરત જ જવાબદાર નથી. આ માટે જિલ્લાના સરકારી અધિકારીઓ પણ આટલા જ જવાબદાર છે.

રાજ્ય સરકારનું ધ્યાન ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક અને ગામોની દુર્દશા પ્રત્યે આકર્ષિત કરવા માટે ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદના પગલે ખેતરમાં બાજરી, જુવાર અને મગફળી જેવા ઉભા પાકો નષ્ટ થઈ ગયા છે. હજુ પણ અહીં વરસાદી માહોલ છે. એવામાં ખેડૂતોને મોટા નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

(1:41 pm IST)