ગુજરાત
News of Thursday, 3rd September 2020

કોરોના મહામારી વચ્‍ચે જીટીયુ દ્વારા પ્રથમ અને બીજા તબક્કાની ઓનલાઇન પરિક્ષા સંપન્‍ન થયા બાદ હવે ત્રીજા તબક્કાની ઓનલાઇન પરિક્ષા માટે આજથી વેબસાઇટ ઉપર રજીસ્‍ટ્રેશન

અમદાવાદ: સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓનું અભ્યાસ અને વર્ષ ના બગળે તે હેતુથી ઓનલાઇન ટીચિંગ અને ઓનલાઇન પરીક્ષાઓ લેવાઇ રહી છે. તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પ્રથમ અને બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. તેની સફળતા પછી હવે ત્રીજા તબક્કાની પરીક્ષા પણ ઓનલાઇન લેવાશે. જેનું રજિસ્ટ્રેશન 3થી 8‌ સપ્ટેમ્બર સુધી GTUની વેબસાઇટ પર કરી શકાશે.

તાજેતરમાં જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ અને‌ બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું ‌ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

ઓનલાઇન પરીક્ષાની ભવ્ય સફળતા અને વિદ્યાર્થીઓની માંગણીને માન્ય રાખીને GTU દ્વારા ત્રીજા તબક્કામાં પણ ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેના ઉપલક્ષે આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી ડિપ્લોમા, યુજી અને પીજીના તમામ શાખાઓના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે. જેનું રજિસ્ટ્રેશન આજથી શરૂ કરી દેવાયું છે.

વિદ્યાર્થીઓ મોબાઈલ , ટેબ્લેટ અને લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષા આપી શકશે. ‌

ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું રજીસ્ટ્રેશન આજે તા. 3થી 8‌ સપ્ટેમ્બર સુધી GTUની વેબસાઈટ પર કરી શકાશે.

પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાના સફળ આયોજન પછી બાકી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા તેમજ ઈ-મેઈલ ‌દ્વારા ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી કરવામાં આવી હતી.

GTU દ્વારા વિદ્યાર્થીઓની આ માંગણીને માન્ય રાખીને વિદ્યાર્થીઓ માટેનો હિતલક્ષી નિર્ણય કર્યો છે.

GTUના ડીગ્રી, ડિપ્લોમા, એન્જીનીયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 9920 વિદ્યાર્થીઓએ હજુ પરીક્ષા આપવાની બાકી છે.

જ્યારે અગાઉ બે વખત યોજાયેલી ઓનલાઇન પરીક્ષામાં 46000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષા આપી હતી.

બાકી રહેલા 9920 વિદ્યાર્થીઓ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. જે 8 તારીખ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ હવે પછીની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે સ્પષ્ટ થશે.

(5:07 pm IST)