ગુજરાત
News of Thursday, 3rd September 2020

ધોળકા તાલુકાના ગામોમાંથી આવતા કર્મચારીઓને અમદાવાદના કોરોના ચેપગ્રસ્‍ત કર્મચારીઓ સાથે કામ કરવાની ફરજ પાડતા અમદાવાદ જિલ્લાની કેડિલા ફાર્માસ્‍યુટીકલ કંપની સામે માનવ અધિકારી આયોગ સમક્ષ ફરિયાદ

અમદાવાદ: જિલ્લાના ધોળકા-ત્રાસંદ રોડ પર આવેલી કેડિલા ફાર્માસ્યુટીકલ કંપની દ્રારા ગંભીર બેદરકારી દાખવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાંથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ થઇ છે. આ ફરિયાદના પગલે આયોગે અમદાવાદ જિલ્લા કલેકટરને નોટીસ ફટકારીને 20 દિવસમાં આ અંગે વિસ્તૃત અહેવાલ આયોગ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે. જો અહેવાલ મોકલવામાં નિષ્ફળ જશો તો આયોગ દ્રારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેવી તાકીદ કરી છે.

ધોળકા તાલુકાના ઇંગોલી ગામના રહીશ જીતેન્દ્રકુમાર ઇશ્વરભાઇ સમ્રાટે આયોગ સમક્ષ કરેલી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, “ધોળકા-ત્રાસંદ રોડ પર કેડિલા ફાર્માસ્યુટીકલ કંપની આવેલી છે. આ કંપનીમાં એક મહિના અગાઉ અમદાવાદના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આજુબાજુનાં ગામોના સરપંચો તથા આગેવાનો દ્રારા કંપનીને પોતાના કર્મચારીઓના કોવિડ-19 સંદર્ભે કાળજી રાખી કર્મચારીઓની સુરક્ષા માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું. પરંતુ કંપની દ્રારા આ બાબતે પોતાના અમદાવાદ શહેરમાંથી આવતાં કર્મચારીઓના કોવિડ-19ના રિપોર્ટ કરાવ્યા ન હતા તથા ધોળકા તાલુકાના ગામોમાંથી આવતાં કર્મચારીઓને અમદાવાદના ચેપગ્રસ્ત કર્મચારીઓ સાથે કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

તેમણે વધુમાં ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, કંપનીનાં કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યાં મુજબ ધોળકા શહેર તથા તાલુકાના કર્મચારીઓએ કોરોનાના ડરથી ફરજ પર આવવાનું બંધ કરી દીધું હતું. તે કર્મચારીઓના પગાર કાપી લઇ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. જેનાં કારણે કર્મચારીઓ ડરતા ડરતા નોકરી પર આવતા હતા. તેથી 40 કરતા વધુ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ જેમ-જેમ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે તેમ કંપનીના કર્મચારીઓ પોઝિટિવ આવવાના ચાલુ છે. 6/5/2020 સુધી કંપની ચાલુ હતી ત્યારે કંપનીની બહાર રોડ પર આવેલી દુકાનો પર કામે જતા-આવતા કર્મચારીઓની ભીડ થતી હતી. આ વિસ્તારને સેનેટાઇઝ કરવા તથા તકેદારી રાખવા કંપની દ્રારા કોઇ જ પગલા ભરવામાં આવ્યાં ન હતાં.

કંપનીના ધોળકા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક કર્મચારીઓ ચેપગ્રસ્ત હોવાની પુરેપુરી સંભાવના હોવા છતાં કંપની દ્રારા આવા લોકોના આરોગ્યની કાળજી લેવા અને મોટા પાયે કોરોના ટેસ્ટીંગ કરાવવા કોઇ જ પગલાં લીધાં નથી. ઘણાં ગામોમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં કર્મચારીઓ બિન્દાસ્ત ફરે છે. જેના પરિણામે વિશાળ જનસમૂહને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના હોવાથી અને ધોળકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થાય તેમ હોવા છતાં કંપની ગંભીરતાથી લેતી નથી.

પોતાની કંપનીના કર્મચારીઓ અને જાહેર જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહી છે. પરિણામ સ્વરુપ કંપનીમાં કામ કરતા વર્કરનાં પિતાનું મૃત્યુ થયું છે. તેઓને કંપની તરફથી કોઇ જ આર્થિક સહાય આપવામાં આવી નથી તથા જે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને પણ કોઇ જ પ્રકારની આર્થિક સહાય કરી નથી. કંપનીની ઘોર બેદરકારીના લીધે તેમના વર્કરો તથા વર્કરોના સંપર્કમાં આવેલા લોકોને ચેપ લાગ્યો છે.

આમ, કંપની જાણી જોઇને વિશાળ જનસમૂહને જીવને જોખમમાં મૂકેલ છે. બે જણાંના તો મત્યુ થયા છે. કંપની બંધ કરવા આદેશ કર્યો હોવા છતાં સુરક્ષાના પગલાં લીધા વિના પાછલા બારણે કંપની ચાલુ કરી દીધી દેવાની હીલચાલ જણાઇ રહી છે. આમ સરકારના કોરોના સંદર્ભના તમામ નિયમો, જોગવાઇઓ, જાહેરનામા તથા કાયદાઓનો ભંગ કરી વિશાળ જનસમૂહ જીવ સામે જોખમ ઊભું કર્યું હોવાથી કંપની વિરુદ્ધ ગુનો નોંધી ફોજદારી અને કાયેદસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ ફરિયાદને ધ્યાનમાં લઇને આયોગે અમદાવાદ જિલ્લા કલેકટરને ઉક્ત હુક્મ કર્યો છે.

(5:08 pm IST)