ગુજરાત
News of Thursday, 3rd September 2020

ગાંધીનગર નજીક ધોળેશ્વરમાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી:વરસાદના કારણોસર રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી

ગાંધીનગર:શહેર નજીક આવેલાં ધોળેશ્વરમાં તંત્ર દ્વારા થોડા સમય અગાઉ નવા માર્ગો બનાવવામાં આવ્યા હતાં. નબળી કામગીરી હોય તેમ માર્ગો ગત વર્ષે તુટી ગયા હતા. ત્યારબાદ સમારકામ કરાયું હતું. ત્યારે તાજેતરમાં થયેલા વરસાદમાં માર્ગો ધોવાઇ જવાથી ઠેક ઠેકાણે ખાડા પડી જવાની સાથે સાથે ઉબડ - ખાબડ થઇ જવાથી વાહનચાલકો માટે જોખમી બન્યા છે. બિસ્માર બનેલાં માર્ગો તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યાં છે.

ગાંધીનગર નજીક આવેલાં ધોળેશ્વરમાં મોટી સંખ્યામાં સોસાયટીઓ અને વાણિજય વિસ્તાર આવેલાં છે. ગુડા દ્વારા વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને અવર જવર કરતાં સાનુકૂળતા રહે તે માટે થોડા સમય અગાઉ નવા માર્ગો બનાવી આપવામાં આવ્યા હતાં. એમએમવીએસ હોસ્પિટલની આસપાસ અને રાયસણ - કુડાસણ તરફ જતાં માર્ગો પાછળ તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે ચોમાસાની મોસમમાં માર્ગો તુટી ગયા હતા. ત્યારબાદ સમારકામ કરવામાં આવ્યું હતું. નબળી કામગીરીની પોલ માર્ગો ખોલી રહ્યાં હોય તેમ ટુંકાગાળામાં રસ્તા બિસ્માર બની ગયા હતા. ત્યારે તાજેતરમાં થયેલાં વરસાદમાં સંપુર્ણપણે માર્ગો ધોવાઇ ગયા હોય તેવું હાલમાં નજરે પડી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોની અવર જવર માર્ગો ઉપર દિવસ દરમિયાન થતી હોય છે. વરસાદના પાણી માર્ગો ઉપરથી નહી ઓસરતાં મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. જેના પગલે ઉબડ-ખાબડ થઇ ગયેલા માર્ગો ઉપરથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલાં માર્ગો વરસાદી પાણીમાં ધોવાઇ જતાં ખર્ચેલાં રૂપિયા પણ પાણીમાં ગયા હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. હાલમાં માર્ગો ઉપરથી પસાર થવામાં પણ સ્થાનિક રહિશોને ડર સતાવી રહ્યો છે. સત્વરે માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(6:05 pm IST)