ગુજરાત
News of Thursday, 3rd September 2020

બે દાંત સાથે જન્મેલ બાળકીનાં દાંતને પાડી આપવામાં આવ્યા

મહામારીના કાળમાં માનવતાની મહેંક : અમદાવાદના દંપતિની નવજાત બાળકીને ધાવણ માટે થતી તકલીફને ડોક્ટર્સે દાંત પાડીને દૂર કરી દીધી હતી

અમદાવાદ, તા. : સામાન્ય રીતે બાળક જન્મે ત્યારબાદ લગભગ મહિના પછી તેને દાંત આવવાની શરૂઆત થતી હોય છે ઘણાં બાળકોને તો બાર મહિને દાંત આવતા હોય છે. હવે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં દરજી પરિવારના ઘરે જન્મેલી દીકરી ક્રિષાને જન્મના બીજા દિવસથી મોઢામાં બે દાંત દેખાવાની શરૂઆત થઇ ગઇ હતી. દાંત સાથે જન્મેલી ક્રિષ્નાને આમ તો કોઈ તકલીફ નહોતી પરંતુ તે જ્યારે માતાનું દૂધ પીવાનો પ્રયાસ કરે ત્યારે તેને અને માતાને બંનેને તકલીફ થતી હતી. નાનકડી ક્રિષાની તકલીફ વાસણાના ડેન્ટિસ્ટ ડો પ્રણવ શાહ અને ડો સુહાની શાહએ નિશુલ્ક દૂર કરી આપી છે. કોરોનાની મહામારી વચ્ચે બાળકી કે તેના માતા-પિતાને કોઇ તકલીફ થાય નહીં તેના માટે તબીબોએ ગ્રીન ઝોન તૈયાર કર્યો હતો.

         માસુમ ક્રિષાની સમસ્યા દૂર કરનાર ડો. પ્રણવ અને સુહાનીએ જણાવ્યું હતું કે લગભગ પંદરેક દિવસ પહેલાં વેજલપુરમાં રહેતા કિશનભાઇ અને મેઘના બેનના ઘરે દીકરીનો જન્મ થયો હતો. ક્રિષા બે દાંત સાથે જન્મી હતી જેની જાણ બીજા દિવસે તેના માતા-પિતાને થઈ હતી. બાળક દાંત સાથે જન્મે તેવા કિસ્સા ખૂબ જવલ્લેજ બનતા હોય છે. દાંત સાથે જન્મેલી દીકરીને આમ તો કોઈ તકલીફ નહોતી પરંતુ તે જ્યારે માતાનું દૂધ પીવા પ્રયાસ કરે ત્યારે તેને તકલીફ પડતી હતી અને માતાને પણ તકલીફ થતી હતી.

દૂધ નહીં પી શકવાને લીધે ક્રિષા સતત રડયા કરતી હતી. માતા-પિતાએ દીકરીની સમસ્યા અંગે કોઈ સ્વજનના રેફરન્સથી ડોક્ટર પ્રણવ શાહનો સંપર્ક કર્યો. ડોક્ટરે તરત દીકરીના બંને દાંત કાઢી આપવાનું બીડું ઝડપી લીધું. દોડધામમાં ક્રિષા પંદર દિવસની થઈ ગઈ હતી હવે બુધવારે સવારે ક્રિષાના બંને દાંત કાઢવાનું નક્કી થયું. એક તરફ કોરોનાની મહામારી વચ્ચે માસુમ ક્રિષા કે તેના પરિવારજનોને કોઈ તકલીફ થાય નહીં તેના માટે ડૉક્ટરે આખી ક્લિનિક સાફ કરાવી સેનેટાઈઝ પણ કરાવી દીધી અને  ખાસ ગ્રીન ઝોન બનાવવામાં આવ્યો. સવારે ક્રિષાને ક્લિનિક પર લાવવાની હતી ત્યારે કોઇપણ પેશન્ટને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી નહીં. બુધવારે સવારે લગભગ ૧૧:૦૦ વાગે ક્રિષાને લઈને તેના માતા-પિતા ક્લિનિક પર પહોંચ્યા કે તરત દવા લગાવી ક્રિષાના પેઢાનો ભાગ નિશ્ચેતન બનાવી માત્ર ૧૫ મિનિટમાં તેના બંને દાંત કાઢી આપવામાં આવ્યા. દૂધ પીવામાં અડચણરૂપ થતા બંને દાંત નીકળી જતા ૧૫ મિનિટ બાદ ક્રિષા આરામથી માતાનું દૂધ પીતી થઈ ગઈ અને તેની તથા તેની માતાની પરેશાની દૂર થઈ ગઈ. કોરોનાની મહામારી વચ્ચે માસુમ ક્રિષાની સારવાર કરનારા તબીબોએ નિશુલ્ક સારવાર કરી હતી.

(7:54 pm IST)