ગુજરાત
News of Tuesday, 3rd November 2020

અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગનો સપાટો : 10842 ચો.ફૂટનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

બોડકદેવ વોર્ડ, નવરંપુરામાં ટીપી સ્કીમ 3 માં અને શાહપુર ટીપી 14માં ગેરકાયદે બાંધકામ હટાવાયા

અમદાવાદ :મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદેસર બાંધકામ દૂર કરવાની ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં આજે 10842 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરાયું હતું  તેમજ અનલોક થયા બાદ અત્યાર સુધીમાં એએમસીના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 586972 ચો.ફૂટનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.

આજે નોર્થ વેસ્ટ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં TP 51 માં TP સ્કીમના અમલીકરણ માટે કોટક હાઉસથી 142 બિલ્ડિંગ સુધીના 18 મીટર પહોળા ટીપી રોડમાં 1 શેડ ક્રોસ વોલ,1કેબિન તેમજ 8 ઓટલાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

નવરંપુરામાં ટીપી સ્કીમ 3 માં આવેલ કમલ કોમ્પલેક્ષ તેમજ ધવલ કોમ્પલેક્ષના ટેરેસના ભાગે કોમર્શિયલ શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં રામોલ હાથીજણ વોર્ડમાં ટીપી સ્કીમ 106માં વસ્ત્રાલથી મહાદેવ એવન્યુંના રસ્તા પર 43 ઝૂપડા દૂર કરવામાં આવ્યા હતા.

શાહપુર ટીપી 14માં અહેમદ હુસેનની ચાલી, દૂધેશ્વરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી સેકન્ડ ફ્લોર સુધીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ નરોડામાં પણ અમરનાથ એસ્ટેટમાં ગેરકાયેદસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ડ્રાઈવ આવનાર દિવસમાં પણ ચાલુ રહેશે.

(8:32 am IST)