ગુજરાત
News of Tuesday, 3rd November 2020

અંકલેશ્વરઃ વિદ્યાર્થીઓનાં ગ્રુપમાં શિક્ષકે ગૃહકાર્યના બદલે નાખી નગ્ન તસ્વીરો

રોષે ભરાયેલા વાલીઓ દ્વારા શિક્ષકને માર પણ મારવામાં આવ્યો

અંકલેશ્વર, તા.૩: પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના એક શિક્ષકે શાળાના ઓનલાઇન કલાસના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરતા વાલીઓ દ્વારા હોબાળો મચાવાયો હતો. રોષે ભરાયેલા વાલીઓ દ્વારા શિક્ષકને માર પણ મારવામાં આવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા અંકલેશ્વર GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેણે શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પદ્માવતીનગરમાં સરસ્વતી વિદ્યામંદિર નામની શાળા આવેલી છે. હાલ કોરોનાકાળને ધ્યાને લઇને તમામ શાક્ષાઓ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે. ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્યુનિકેશન જળવાઇ રહે તે માટે વિવિધ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જો કે રાકેશ ચોબે નામના શિક્ષકે આજે આવા જ એક ગ્રુપમાં અશ્લીલ તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીર જોતાની સાથે જ વાલીઓ રોષે ભરાયા હતા. મોટા પ્રમાણમાં શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. શિક્ષકને પણ મેથીપાક ચખાડ્યો હતો. પ્રિન્સિપાલ સમક્ષ શિક્ષક વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.

જીઆઇડીસી પોલીસ દ્વારા શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. હાલ આ અંગે વધારે તપાસ ચાલુ કરી છે. આ અંગે એક વાલીએ જણાવ્યું કે, ધોરણ ૮-૧૦નાં ગ્રુપમાં ખુબ જ બિભત્સ તસ્વીરો આવી હતી. જેના કારણે અમે શાળાએ પહોંચ્યા હતા. શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા પોલીસ આવીને શિક્ષકને લઇ ગઇ હતી. શિક્ષકનું આપણા સમાજમાં ખુબ જ ઉચ્ચ સ્થાન ગણવામાં આવે છે. તેવામાં શિક્ષક આ પ્રકારની હરકત કરે તે કેટલી હદે યોગ્ય ગણી શકાય.

(3:05 pm IST)